મોબાઈલમાં ચાલતી ઓનલાઇન ગેમમા દેવું થઇ જતા યુવકે તાજેતરમાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું
આર્થિક કટોકટીમાં મુકાયેલા મૃતકના પરિવારને સહાય ચૂકવવાની માંગ કરાઇ
આજનું યુવાધન મોબાઈલમાં ઓનલાઇન ગેમો રમીને પાયમાલ બની રહ્યું છે. જેમાં તાજેતરમાં એક યુવકને આ ગેમો રમતા લાખો રૂપિયાનું દેવું થઇ જતા તેણે આપઘાત કરી લીધો હતો. જેને લઇ આ ગેમો પાછળ અન્ય યુવાનો આર્થિક રીતે બરબાદ થતા અટકે તે માટે મોબાઈલમાં ચાલતી ઓનલાઇન ગેમો પર પ્રતિબંધ મુકવા માટે મુખ્યમંત્રી સહિત વડાપ્રધાનને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આજના મોબાઈલ યુગમાં રાતોરાત લખપતિ થઇ જવાની લાલચમાં યુવાધન ઓનલાઇન ગેમો પાછળ આંધળું બનીને લાખો રૂપિયા ગુમાવી રહ્યું છે જેમાં આ ગેમના રવાડે ચડેલા વડગામ તાલુકાના ભરકાવાડા ગામના ગરીબ પરિવારના મનુભાઇ પચાણભાઈ મેતીયા નામનો યુવક આ ઓનલાઇન ગેમ રમતા તેને લાખો રૂપિયાનું દેવું થઇ જતા આર્થિક ભીંસમાં મુકાયેલા આ યુવકે આખરે આપઘાત કરીને પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.જો કે ગેમ મેકરો લોભામણી લાલચો આપીને યુવાધનને ગેમોના રવાડે ચડાવી રહ્યા છે જેને લઇ અનેક યુવાનો બરબાદીના પંથે ધકેલાઇ રહ્યા હોઇ સરકાર દ્વારા મોબાઈલમાં ચાલતી ઓનલાઇન ગેમો પર પ્રતિબંધ મુકવામાં આવે તે માટે જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય અશ્વિન સક્સેના દ્વારા પત્ર લખીને વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે તેમજ રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને સહાય આપવામાં આવે તે માટે માંગ કરવામા આવી છે.

