સોનાની કિંમતોમાં ચાલી રહેલી ભારે અસ્થિરતાને ધ્યાનમાં રાખીને બેંકો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમોમાં કડકાઈ લાવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચેતવણી બાદ ધિરાણકર્તાઓએ સોનાના મૂલ્ય સામે આપવામાં આવતી લોનની મર્યાદા (LTV) ૭૦ – ૭૨%થી ઘટાડીને ૬૦ થી ૬૫% સુધી લાવી છે. પરિણામે, અગાઉ જેટલી લોન સરળતાથી મળતી હતી તે હવે ઓછી મળશે. નાણાકીય સંસ્થાઓ માટે આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ સોનાના ભાવમાં ઝડપી વધઘટ છે. આરબીઆઈએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે બુલિયન માર્કેટની અસ્થિરતા બેંકોની નાણાકીય સ્થિતિ માટે જોખમરૂપ બની શકે છે.
જો સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થાય, તો લોનની બાકી રકમ ગીરવે મુકાયેલા સોનાના મૂલ્યથી વધુ થઈ શકે છે, જે ડિફોલ્ટની શક્યતા વધારી શકે છે. અગાઉ જો કોઈ ગ્રાહક એક લાખ રૂપિયાનું સોનું ગીરવે મૂકતો હતો, તો તેને લગભગ ૭૨ હજાર રૂપિયા સુધીની લોન મળતી હતી. પરંતુ નવા નિયમો હેઠળ હવે એટલા જ સોનાના મૂલ્ય સામે માત્ર ૬૦ થી ૬૫ હજાર રૂપિયા મળવાની શક્યતા છે. બેંકો આ પગલાં દ્વારા પોતાના જોખમ વ્યવસ્થાપનને મજબૂત બનાવી રહી છે. બેંકો માટે ચિંતાનો વિષય માત્ર સોનાના ભાવ જ નથી, પરંતુ લોન લેનારાઓની બદલાતી પ્રોફાઇલ પણ છે.
આંકડાઓ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧ પછી ૨૧ થી ૩૦ વર્ષની વયજૂથમાં ગોલ્ડ લોન લેવાનું પ્રમાણ બમણું થયું છે, જ્યારે ૩૧ થી ૪૦ વર્ષની વયજૂથ કુલ ગોલ્ડ લોનમાં આશરે ૪૫% હિસ્સો ધરાવે છે. માર્ચ ૨૦૨૫ પછી ગોલ્ડ લોનમાં વાર્ષિક ધોરણે ૧૦૦%નો ઉછાળો નોંધાયો છે અને ઓક્ટોબર ૨૦૨૫માં ગોલ્ડ લોન બુક રૂ. ૩.૩૭ લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. આટલી ઝડપી વૃદ્ધિ બાદ હવે બેંકો અને એનબીએફસીએ આક્રમક વિસ્તરણને બદલે સ્થિરતા પર ભાર મૂક્યો છે, જેથી માઇક્રોફાઇનાન્સ અને પર્સનલ લોન જેવા ક્ષેત્રોમાં જોવા મળેલા સંકટનું પુનરાવર્તન ટાળી શકાય.

