ડીસા નગરમાં વિજ્યાદશમીના પાવન પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શ્રી રામ સેના દ્વારા શહેરના મુખ્ય સ્થળ ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આજે વિજ્યાદશમીના શુભ દિવસે યોજાનાર આ કાર્યક્રમમાં રાવણ દહન સાથે એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ સેના દ્વારા આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં જિલ્લાવાસીઓ અને તમામ નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આહવાન કરવામાં આવ્યું છે.
ટી.સી. ડી.ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સત્ય, નીતિ અને ધર્મના વિજયના પ્રતીક રૂપે મહાકાય રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. આ પ્રસંગે વાતાવરણ ધાર્મિક ઉલ્લાસ અને દેશભક્તિના રંગોથી છવાઈ જશે. રાવણ દહનના દ્રશ્યને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે, જે ડીસા શહેરની ધર્મનિષ્ઠા અને સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક બનશે.
શ્રી રામ સેનાના આયોજકોએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને આપણા ભવ્ય ઇતિહાસ અને ધાર્મિક મૂલ્યોથી અવગત કરાવવાનો છે, તેમજ સમાજમાં સદભાવના અને એકતાનો સંદેશ પહોંચાડવાનો છે.ત્યારે તમામ નગરજનોને અપીલ છે કે આ ધર્મપ્રેરક કાર્યક્રમમાં પરિવાર અને મિત્રો સાથે જોડાઈને વિજ્યાદશમીના આ પર્વને યાદગાર બનાવે.

