રાષ્ટ્રીય કિસાન સંગઠને અધિક નિવાસી કલેકટરને આપ્યું આવેદનપત્ર
બે તાલુકાને જોડતા આગથળા- ધાનેરાનો રોડ સત્વરે બનાવવાની માંગ; સરહદી બનાસકાંઠા જિલ્લામાં વહેલા થયેલા વરસાદે તારાજી સર્જી છે. જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને જિલ્લાના અનેક વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોના બાજરી, મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈને ધોવાઈ જતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જોકે, ખેડૂતો પાયમાલ થઈ જતા હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ નુક્શાનીનો સર્વે ન કરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઈને આજે જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચીને સુત્રોચાર કર્યો હતો. બાદમાં અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને બનાસકાંઠા જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને વળતર આપવાની માંગ કરી હતી
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ખેડુતોના ખેતરો બેટમાં ફેરવતા ખેડૂતોના મગફળી, બાજરી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જિલ્લા ના ખેડૂતોએ મોંઘભાવના બિયારણ અને ખાતર લાવીને મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. જોકે, ધોધમાર વરસાદ થતાં મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો જળ બંબાકાર થઈ ગયા હતા અને ખેડૂતોને મોટું નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
જોકે, ઉનાળામાં પણ માવઠાના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો હતો અને હવે ચોમાસામાં પણ ખેડૂતોનો પાક નિષ્ફળ થઈ જતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. જોકે, ખેડૂતોને ભારે નુકસાન થયું હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ સર્વે ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઈને રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજા હેઠળ જિલ્લાભરમાંથી ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈને પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને સુત્રોચાર કરીને અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવાની માંગ કરી હોવાનું ખેડૂત અગ્રણી દોલાભાઈ ખાગડા અને ચતરભાઈ રબારી નામના ખેડૂતે જણાવ્યું હતું.


