લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર વિપક્ષની અવગણના કરી રહી છે અને વિદેશથી આવેલા નેતાઓને વિપક્ષના નેતા સાથે મળવા દેતી નથી. તેમણે કહ્યું કે વિપક્ષના નેતા વિદેશથી આવેલા પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરે છે. આ એક પરંપરા છે અને હંમેશાથી આવું રહ્યું છે, પરંતુ મોદી સરકાર મુલાકાતી પ્રતિનિધિમંડળોને વિપક્ષના નેતા સાથે ન મળવાનું કહે છે. આ દર વખતે કરવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતનું પ્રતિનિધિત્વ ફક્ત સરકાર દ્વારા જ નહીં પરંતુ વિપક્ષ દ્વારા પણ કરવામાં આવે છે, છતાં સરકાર ઇચ્છતી નથી કે વિપક્ષ બહારના લોકો સાથે મળે. વિપક્ષના નેતા માટે વિદેશી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવી એ એક પરંપરા છે, પરંતુ નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય તેનું પાલન કરતા નથી. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે જ્યારે વિદેશી મહાનુભાવો ભારતની મુલાકાત લે છે અથવા જ્યારે હું વિદેશ પ્રવાસ કરું છું, ત્યારે સરકાર તેમને વિપક્ષના નેતા સાથે ન મળવાની સલાહ આપે છે, અને આ તેમની (સરકારની) નીતિ છે.
રાહુલ ગાંધીએ અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના કાર્યકાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાછલી સરકારો દરમિયાન વિદેશી મહેમાનોને વિપક્ષના નેતાને મળવાની મંજૂરી આપવામાં આવતી હતી. પરંતુ હવે એવું નથી. પ્રિયંકા ગાંધીએ પણ રાહુલના આરોપોને સમર્થન આપતા કહ્યું કે સરકાર પ્રોટોકોલનું પાલન કરી રહી નથી.

