રવિ સીઝનમાં બટાટા રાયડો રાજગરો ઘઉ અને જીરૂ સહિત એરંડાનું વાવેતર
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં રવિ સીઝનની વાવણીની કામગીરી પુરજોશમાં ચાલુ થવા પામી છે. થોડાક દિવસો પહેલા થયેલા કમોસમી વરસાદને લઈ ઉનાળુ પાકોને પણ વ્યાપક નુકસાન થયું હતું. જે ખેડૂતોએ ઉનાળાની પાકની લણણી પૂર્ણ કર્યા બાદ હવે રવિ પાક માટે તૈયારીઓમાં વ્યસ્ત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુકૂળ હવામાન બનતા ખેડૂતોમાં ખેતીના પાકો માટે નવી આશા જાગી છે.
આ વિસ્તારના મુખ્ય રવિ પાકોમાં બટાટા રાયડો ઘઉં, જીરુ, રાજગરો તમાકુ કપાસ અને એરંડા જેવા પાકો નો સમાવેશ થાય છે. ખાસ કરીને ડીસા અને આસપાસના ગામોમાં બટાટા વાવણી માટે મોટી તજવીજ ચાલી રહી છે. પાણીની ઉપલબ્ધિ અને જમીન અનુકૂળ હોવાથી ખેડૂતો વધુ વિસ્તાર હેઠળ રવિ પાકમાં બટાટાનુ વાવેતર થાય છે .
આ અંગે કેટલાક ખેડૂતોએ જણાવ્યું છે કે, આ વર્ષે રવિ પાક માટે વરસાદ બાદની ભેજ અને તાપમાનની સ્થિતિ ઉત્તમ હોવાથી પાકની શરૂઆત સારી રીતે થવાની શક્યતાઓ રહેલી છે. જેને લઇને ખેડૂતો ઉચ્ચ જાતિના બીજ, ખાતર અને જંતુનાશકો દવાઓ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે ખેડૂતો એ જણાવ્યું હતું કે, હવામાન અનુકૂળ રહેશે તો આ વર્ષે રવિ સીઝનમાંથી સારું ઉત્પાદન મળશે તેવી આશા છે જેથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં રવિ સીઝનની વાવણી ઉર્જાસભર વાતાવરણમાં આગળ વધી રહી છે. કમોસમી વરસાદ બાદ ખેતરોમાં વરાપ નિકળતા ખેતી કામમાં લાગેલા ખેડૂતોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જે સમગ્ર વિસ્તાર માટે સમૃદ્ધિનું સંકેત આપી રહી છે.
જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ફરી એકવાર ખેતીનો ધમધમાટ શરૂ થયો
બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવા પામ્યો હતો. જેના કારણે થોડાક દિવસો માટે ખેતી કામમાં બ્રેક લાગી ગઈ હતી. પરંતુ ત્યારબાદ ફરી એકવાર ખેતીની સિઝનનું શરૂ થતા ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ખેતીની સિઝનનો ધમધમાટ શરૂ થયો છે ખેતરોમાં મજૂરોની ચહલ-પહલ, ટ્રેક્ટરોની ગતિ અને ખેડૂતના ચહેરા પર દેખાતી આશા આ પંથકની કૃષિ જીવનની સુંદર ઝલક જોવા મળી રહી છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ રવિ સિઝનનું બનાસકાંઠા જિલ્લામાં વાવેતર
ઉત્તર ગુજરાતના ખેતી ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રવિ સિઝનનું વાવેતર થતું હોય છે બૃહદ બનાસકાંઠા જિલ્લો એટલે કે, વાવ થરાદ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રાયડાનુ વાવેતર થાય છે. ચાલુ વર્ષે ચોમાસુ ઋતુમાં થયેલો સારા વરસાદ બાદ ફરી એકવાર કમોસમી વરસાદ થયો છે. જેના કારણે રવિ સીઝનના વાવેતરમાં પાણીની અછત જોવા મળશે નહીં.

