બનાસકાંઠા જિલ્લાની બોદી નેતાગીરીના પાપે જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેર નધણીયાતું બની ગયું હોવાની રાવ ઉઠી છે. જિલ્લા મથક પાલનપુરના જોરાવર પેલેસ ખાતે આવેલી કલેકટર કચેરી, જી.પં. ભવન સહિતની કચેરીઓ અન્યત્ર ખસેડવા સામે ખુદ ભાજપ અગ્રણીએ જ અવાજ ઉઠાવતા મુખ્યમંત્રીને લેખિત પત્ર લખી કચેરીઓના સ્થળાંતર સામે વિરોધ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરના જોરાવર પેલેસમાં કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જી.પં. ભવન, ન્યાયાલય, પોસ્ટ, ટેલિફોન સહિત બહુમાળી બિલ્ડીંગ જિલ્લા સેવા સદનમાં લગભગ તમામ સરકારી કચેરીઓ આવેલી છે. જે જિલ્લા ભરમાંથી આવતા અરજદારો માટે એકજ સંકુલમાં આવેલી કચેરી ઓ સુગમ અને સરળ બની રહી છે.
ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા કલેકટર કચેરી સહિતની કચેરીઓ જગાણા ખાતે ખસેડવાની હિલચાલ હાથ ધરાઈ છે. ત્યારે 16 એકરમાં આવેલી સરકારી કચેરીઓ અન્યત્ર ખસેડવા સામે સત્તામાં રહેલી જિલ્લાની નેતાગીરી ગાંધારીની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારીણીના સદસ્ય મેરુજી ધૂંખ પુનઃ જિલ્લાવાસીઓ ની વ્હારે આવ્યા છે.
અગાઉ કલેકટર કચેરી સદરપુર ખસેડવાની હિલચાલ બાદ હવે જગાણા ખસેડવાની પેરવી કેટલાક હિતશત્રુઓના સ્વાર્થમાં કરવામાં આવી રહી હોવાનો ઈશારો ખુદ ભાજપ અગ્રણી મેરુજી ધૂંખ કરી રહ્યા છે. ત્યારે ભાજપના વર્તમાન શાસકો બિલ્ડર લોબી કે જમીન માફિયા ઓના ઈશારે જિલ્લાનું હિત કોરાણે મૂકી ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ પણ પ્રજાનું સમર્થન મેળવી શાસકો અને તંત્રના કાન આમળે તે જરૂરી બન્યું છે.
જગાણા ખસેડવાનો નિર્ણય સ્થગિત કરવાની માંગ: 1952 માં મોરારજી દેસાઈએ પાલનપુર નવાબ પાસેથી અંદાજીત 16 એકર જમીન ધરાવતુ જોરાવર પેલેસ સંકુલ શહેરની વચ્ચોવચ્ચ આવેલું હાર્દ સમું સંકુલ છે. અગાઉ કલેકટર આનંદ પટેલના સમયમાં જિલ્લાની સરકારી કચેરીઓ સદરપુર ખસેડવાની હિલચાલ થતા ચોમેરથી વિરોધ થતા મુખ્યમંત્રીએ સૂચના આપી બંધ રખાવેલ હતી. જોકે, હવે આ કચેરીઓને 7 કી.મી. દૂર જગાણા ખસેડવાની હિલચાલ તેજ થતા મેરુજી ધૂંખે ફરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી આ સ્થળાંતર રોકવા વિનંતી કરી છે.