મોડાસા ખાતે અરવલ્લી પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે 11 ફેબ્રુઆરી 2025થી તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવાનું ફરજિયાત કર્યું છે. સરકારી કર્મચારીઓ સમાજમાં રોલ મોડલ તરીકે કાર્ય કરે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, અરવલ્લી જિલ્લા સેવાસદન સહિતની કચેરીઓમાં ઘણા કર્મચારીઓ હજુ પણ નિયમોનું પાલન કરતા નથી.
પોલીસે છેલ્લા પાંચ દિવસથી જિલ્લા સેવાસદનના ગેટ બહાર હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે. દ્વિચક્રી વાહન પર હેલ્મેટ અને કારમાં સીટબેલ્ટ ન પહેરનાર કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિશેષમાં, આઉટસોર્સ એજન્સી મારફતે આરોગ્ય, ICDS સહિતની કચેરીઓ માટે ભાડે રાખેલા વાહનો પર ગેરકાયદેસર રીતે ‘ગવર્મેન્ટ ઓફ ગુજરાત’ લખેલા નેમ પ્લેટ ધરાવતા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આવા વાહનોના નેમ પ્લેટ દૂર કરાવી દંડ ફટકાર્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર, ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે જેથી તમામ કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે.