વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પાકિસ્તાન પર આડકતરી રીતે નિશાન સાધ્યું અને કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં “બેવડા ધોરણો” માટે દુનિયામાં કોઈ સ્થાન નથી. વડા પ્રધાને લંડનમાં તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટારમર સાથે મીડિયાને સંબોધન કરતી વખતે આ ટિપ્પણી કરી. પોતાના મીડિયા નિવેદનમાં, મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરવા બદલ બ્રિટનનો આભાર માન્યો અને કહ્યું કે બંને પક્ષો એકમત છે કે “આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી.
પીએમ મોદીએ કહ્યું, “અમે એ વાત પર પણ સંમત છીએ કે આતંકવાદી વિચારધારા ધરાવતી શક્તિઓને લોકશાહી સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરવાની મંજૂરી આપી શકાતી નથી.” પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશોની સુરક્ષા એજન્સીઓ આર્થિક અપરાધીઓના પ્રત્યાર્પણ જેવા મુદ્દાઓ પર સહયોગ અને સંકલન કરવાનું ચાલુ રાખશે.
ભારત અને બ્રિટને ગુરુવારે એક ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા, જેનાથી વાર્ષિક દ્વિપક્ષીય વેપારમાં લગભગ $34 બિલિયનનો વધારો થવાની ધારણા છે. આ કરાર 99 ટકા ભારતીય નિકાસ પરની ડ્યુટી નાબૂદ કરશે અને બ્રિટિશ વ્હિસ્કી, કાર અને અન્ય ઘણી વસ્તુઓ પરની ડ્યુટી પણ ઘટાડશે. આ કરાર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને તેમના બ્રિટિશ સમકક્ષ જોનાથન રેનોલ્ડ્સે તેના પર હસ્તાક્ષર કર્યા હતા.

