લોકોએ નગરપાલિકાની અંતિમયાત્રા કાઢતા પોલીસે અટકાયત કરી; બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રસ્તાઓની બિસ્માર હાલતથી પરેશાન સ્થાનિક લોકો એ નગરપાલિકાનો અનોખો વિરોધ કર્યો હતો. શહેરના ગઠામણ દરવાજાથી ડેરી રોડ પરના ખાડાવાળા રસ્તાઓને કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ રસ્તા પર ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરના નિવાસસ્થાનો હોવા છતાં તેનું સમારકામ થતું નથી.
સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા, લોકોએ તંત્રને જગાડવા માટે નગરપાલિકાની નનામી તૈયાર કરી તેની અંતિમયાત્રા યોજી હતી. તેઓએ પાલનપુરની આઈ.ટી.આઈ. કોલેજથી પાલિકા સુધી આ યાત્રા કાઢવાનું આયોજન કર્યું હતું. જોકે, પોલીસે વિરોધ શરૂ થતાં જ તેમને અટકાવી નજરકેદ કર્યા હતા. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર ઘોર નિંદ્રામાં છે અને જો ટૂંક સમયમાં રસ્તાનું સમારકામ નહીં થાય તો તેઓએ વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

