અમરેલીની પાટીદાર દીકરી મુદ્દે પણ ન્યાયની ગુહાર: પાલનપુરમાં પટેલ નામની એક આમલેટની દુકાન શરૂ થઈ છે. જેની સામે પાટીદાર સમાજે વિરોધ નોંધાવ્યો છે. પાટીદાર સમાજે દુકાનનું નામ બદલવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત અમરેલી માં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પણ પાટીદાર અગ્રણી ઓ સહિત એસ.પી.જી.એ આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.
પાલનપુરમાં પટેલ આમલેટ નામ ની દુકાનનો પ્રારંભ થયો છે. જોકે, “પટેલ” અટકધારી દુકાનના નામે માંસાહારી વસ્તુઓના વેચાણથી પાટીદાર સહિત સમગ્ર સનાતન ધર્મની લાગણી દુભાઈ રહી છે. પટેલ સરનેમ ધારી દુકાનમાં માંસાહારના વેચાણથી પટેલ જ્ઞાતિ સાથે હિંદુ ધર્મનું અપમાન થતું હોઇ આ દુકાનનું નામ બદલવાની માંગ સાથે આજે પાટીદાર સમાજે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હોવાનું યુવા પાટીદાર અગ્રણી પીયૂષભાઈ પટેલે જણાવ્યું હતું.
આ ઉપરાંત અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પણ લાલઘૂમ થયેલા પાટીદાર સમાજ સહિત એસ.પી.જી.એ બનાવને વખોડી કાઢતા જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા ના કારોબારી ચેરમેન પીયૂષભાઈ પટેલ, કનુભઈ પટેલ, ગીરીશભાઈ જગાણિયા સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.