આરોગ્ય વિભાગે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ પાણીના વધુ સેમ્પલ લીધા
પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કાળકા પમ્પિંગ સ્ટેશનનું પાણી શંકાસ્પદ જણાતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટના પાણીની ગુણવત્તા પર લાંબા સમય થી પ્રશ્નો ઉઠી રહ્યા હતા, અને તાજેતરમાં સરોવરમાં મૃત કૂતરા અને માછલીઓ મળી આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ની સૂચનાથી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્કેશ સોહલ અને તેમની ટીમે પમ્પીગ સ્થળની શુક્રવારે મુલાકાત લીધી હતી. ટીમે પાણીના સેમ્પલ એકત્ર કરીને પરીક્ષણ માટે મોકલ્યા હતા.
પાટણ નગરપાલિકા દ્વારા નર્મદાનું પાણી સિદ્ધિ સરોવરમાં ઠાલવી, ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરીને વિતરણ કરાય છે. આરોગ્ય ટીમે સિદ્ધિ સરોવર પમ્પિંગ સ્ટેશન, મોતીસા દરવાજા પમ્પિંગ સ્ટેશન, ઝીણી પોળ અને કાળકા વિસ્તાર સહિત ચાર અલગ-અલગ પમ્પિંગ સ્ટેશન પરથી પાણીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ પાણી પુરવઠા બોર્ડની કચેરી, જળભવન ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ચાર સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ડો. અલ્કેશ સોહલે જણાવ્યું હતું કે, ત્રણ સ્થળોના પાણી પીવાલાયક જણાયા છે, પરંતુ કાળકા પમ્પિંગ સ્ટેશનનું સેમ્પલ શંકાસ્પદ આવ્યું છે.આ શંકાસ્પદ રિપોર્ટને પગલે આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક કાળકા વિસ્તારના કાળકા સંપ, નીલ કમલ સોસાયટી અને જીમખાના પાસેની ક્રિષ્ણા રેસિડન્સી એમ ત્રણ અન્ય વિસ્તારો માંથી ફરીથી પાણીના સેમ્પલ લીધા છે. આ સેમ્પલ પણ જળ વિભાગમાં રિપોર્ટ માટે મોકલી અપાયા છે. ડો. સોહેલે નગરપાલિકાને તમામ પમ્પિંગ સ્ટેશનો પર સમયસર ક્લોરીનેશન કરીને જ શહેરીજનોને પાણી આપવા સૂચના આપી છે.
વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા નગરજનોને શંકાસ્પદ પાણીનો મામલો થાળે ન પડે ત્યાં સુધી પીવાનું પાણી ઉકાળીને પીવા વિનંતી કરાઈ છે, જેથી પેટ સંબંધિત તકલીફો ટાળી શકાય. સિદ્ધિ સરોવરમાં બનેલી ઘટના અને કાળકા વિસ્તારના સેમ્પલ શંકાસ્પદ આવતા શહેરભર માં પાણીની ગુણવત્તા અંગે ચિંતા વ્યાપી છે.

