પાટણ રીંગ રોડ પ્રોજેકટ એક વર્ષથી અધ્ધરતાલ: નગરપાલિકાના મહિલા પ્રમુખની મુખ્યમંત્રીને વધુ એક વખત રજુઆત પાટણ નગરપાલિકાએ પાટણ શહેરની વર્ષો જુની રીંગ રોડની માંગણી માટે મુખ્યમંત્રીને પત્ર દ્વારા વધુ એક વખત રજુઆત કરી છે. પાટણ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓને લીધે અવારનવાર અકસ્માત થાય છે, ખાસ કરીને ઓવરલોડ વાહનોથી સમસ્યા વધતી જાય છે. શહેરનો વિસ્તાર વધતાં રીંગ રોડની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.
રીંગ રોડ પ્રોજેક્ટ માટે 1,000 કરોડનો અંદાજ છે અને ચાર ફેઝમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
રીંગ રોડ પાટણથી ડીસા, ઉંઝા, ચાણસ્મા, અને અનાવાડા રસ્તાઓ સાથે જોડવાનો પ્રસ્તાવ છે. પ્રોજેક્ટ માટે પાટણ નગરપાલિકાએ માર્ગ અને મકાન વિભાગે તૈયાર કરેલા પ્લાન અને અંદાજ સરકારને સોંપ્યા છે, પરંતુ તે લાંબા સમયથી પેન્ડિંગ છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે ત્વરિત કાર્યવાહી માટે માર્ગ અને મકાન વિભાગના પ્રસ્તાવના પુરાવા આપ્યા છે. 2023 માં યોજાયેલી બેઠકમાં પ્રોજેક્ટ મંજુર કરવાના પ્રયાસો થયા હતા, પરંતુ તેમાં ઝડપ લાવવાની જરૂર છે. આ પ્રોજેક્ટના અમલથી પાટણ શહેરને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે અને તેના વિકાસ માટે મહત્ત્વનું પગલું સાબિત થશે.