કુલપતિના અધ્યક્ષ પદે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ મા માહિતી પ્રદાન કરાઈ; પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આગામી તા.25 જુલાઈ, 2025 ના રોજ D.Litt પદવી અને ગોલ્ડ મેડલ વિતરણ સમારોહનું આયોજન કરાયું હોવાની જાણકારી બુધવારે કુલપતિ ના અધ્યક્ષ પદે બોલાવવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ મા ઉપસ્થિત ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના મિત્રો ને પ્રદાન કરવામાં આવી હતી.
આ પ્રસંગે કુલપતિ પ્રો.કે.સી.પોરિયા એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખાસ ઉપસ્થિતિમાં બે વિદ્વાનોને D.Litt પદવી એનાયત કરાશે. જેમાં JNUના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ.કપિલ કપૂર અને પુનરુત્થાન વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ઇન્દુમતી કાટદરે નો સમાવેશ કરવામાં આવ્યો છે.
વષૅ 2020 થી 2023 સુધીના 359 વિદ્યાર્થીઓને 444 સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવશે જેમાં 230 વિદ્યાર્થી અને 129 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. બે સુવર્ણ ચંદ્રક મેળવનાર ચાર વિદ્યાર્થીઓ, ત્રણ સુવર્ણચંદ્રક મેળવનાર 11 વિદ્યાર્થીઓ, પાંચ સુવર્ણ ચંદ્રક મેળવનાર 2 વિદ્યાર્થીઓ અને 6 સુવર્ણ ચંદ્રક મેળવનાર 2 વિદ્યાર્થીઓ છે.તો સૌથી વધુ માર્ક્સ ધરાવતા 4 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવશે.બાકીના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો,કારોબારી સભ્યો અને ડીન દ્વારા સુવર્ણ ચંદ્રકો એનાયત કરનાર છે.
સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને RSS પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસિયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટી દ્વારા વષૅ 2015-16 થી શિક્ષણ, સાહિત્ય અને સમાજ પ્રત્યે યોગદાન આપનાર તજજ્ઞોને માનદ D.Litt પદવીથી સન્માનિત કરવામાં આવે છે.આ અગાઉ મહેશ કનોડીયા, ઉપેન્દ્ર ત્રિવેદી, મફતલાલ પટેલ, જ્ઞાન વત્સલ સ્વામી અને યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિકને આ પદવી થી સન્માનિત કરવામાં આવ્યાં હોવાની માહિતી કુલપતિ એ આપી હતી.

