પાટણ જિલ્લાના પાંચ તાલુકામાંથી ૫ થી ૭ હજાર પશુપાલકોની રેલી સાથે આક્રોશ સંમેલન યોજાશે
મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેનના પશુપાલકોને ઢાલા વચનો અને પશુપાલકો વિરૂદ્ધ કરાયેલ નિણૅયો ને લઈને સજૉયેલ વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. જેના પડધા તાજેતરમાં પાટણ જિલ્લાના હારીજ ખાતે યોજાયેલા પશુપાલક સંમેલન પડ્યાં હતાં. ત્યારે વધુ એક પશુપાલકોનું સંમેલન બુધવારના રોજ પાટણ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં પશુપાલકોને સ્પર્શતા કુલ ૧૭ પ્રશ્નો ની માંગ સાથે પાટણ જિલ્લાના પાંચ તાલુકા માંથી અંદાજિત ૫ થી ૭ હજાર પશુપાલકો રેલી યોજી દુધ સાગર ડેરી ના ચેરમેન વિરૂદ્ધ શહેરના ખાડીયા ગ્રાઉન્ડમાં પશુપાલકોનું આક્રોશ સંમેલન યોજાનાર છે.પાટણ ખાતે યોજાનાર આ સંમેલન પૂર્વે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં દુધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી ના વિરુદ્ધ માં બેનરો પણ લાગ્યા હોય ત્યારે બુધવારે યોજાનાર આ સંમેલનને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.
પાટણ ખાતે આયોજિત આ પશુપાલકોના સંમેલનને સમથૅન આપતાં પાટણ તાલુકા પંચાયતનાં પૂવૅ પ્રમુખ અને પશુપાલન સેવા સમિતિના કન્વીનર કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ મેહમદપૂર વાળાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ પશુપાલકોનું સંમેલન સરકારની વિરુદ્ધમાં નહીં પરંતુ ફક્ત ને ફક્ત દુધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની વિરુદ્ધમાં આયોજિત કરવામાં આવ્યું છે.તેઓએ દુધ સાગર ડેરીના ચેરમેન સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ચેરમેને ખેડૂતોને આપેલા એક પણ વચનને પાળ્યા નથી અને ખેડૂતો વિરૂદ્ધ ના નિણૅયો કયૉ છે.ત્યારે બુધવારે પાટણ ખાતે આયોજિત પશુ પાલકોના સંમેલનને દુધ સાગર ડેરીના ચેરમેનમાં તાકાત હોય તો રોકી બતાવે તેવો હુંકાર કરી આ સંમેલનમાં પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી, સિધ્ધપુર, સમી, હારીજ અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો સાથે બહુચરાજી-ચાણસ્મા વિભાગના પશુપાલકો ઉપસ્થિત રહેનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

