પાટણ જિલ્લા પંચાયતમાં રૂ.1.57 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ

પાટણ જિલ્લા પંચાયતમાં રૂ.1.57 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ

પાટણ જિલ્લા પંચાયતની એક મહત્વની ખાસ સભા પ્રમુખ હેતલ ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સ્વર્ણિમ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં એજન્ડા પરના વિવિધ વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. મહેસુલ વર્ષ 2020-21 થી 2023-24 સુધીના જમીન મહેસુલ લોકલ ફંડ સેસની ₹1.57 કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 154ની અનુસૂચિ ત્રણ મુજબના વિકાસ કામોનું આયોજન કરવા બાબતે બહાલી અપાઈ હતી. ખાસ સભાના પ્રારંભે સામાન્ય સભાની કાર્ય નોંધને મંજૂરી અને અગાઉના નિર્ણયો પર લેવાયેલા પગલાંનો અહેવાલ અવલોકનમાં લેવામાં આવ્યો હતો.

આ પછી જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની મળેલી બેઠકોની કાર્યવાહી નોંધને બહાલી આપવાના મુદ્દે કોંગ્રેસના નેતા અશ્વિન પટેલે મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. પટેલે નિયત સમય મુજબ 3 મહિને મીટિંગ ન કરનાર શાખાધિકારીઓને નોટિસ આપવા માટે રજૂઆત કરી હતી. દરમિયાન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદ માલધારીએ વિપક્ષ નેતા અશ્વિન પટેલની કાર્યશૈલીના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ લાંબા સમય સુધી વિરોધ પક્ષના નેતા બની રહે તેવું ઈચ્છીએ, કારણ કે તેમની પાસેથી ઘણું શીખવાનું છે.

જિલ્લા પંચાયતના વાર્ષિક અંદાજપત્રમાં સ્ટેમ્પ ડ્યુટીની વર્ષ 2024-25માં મળેલ જિલ્લા કક્ષાની સવા બે કરોડ ઉપરાંતની ઉપલબ્ધ ગ્રાન્ટનો અંદાજપત્રમાં સુધારો કરવા અને તેમાંથી વિકાસના કામોનું આયોજન કરવા બાબતે ઉપપ્રમુખ ગોવિંદ માલધારીએ પ્રમુખને સત્તા સોંપવાની દરખાસ્ત કરી હતી, જેને સર્વાનુમતે મંજૂર રખાઈ હતી. જોકે, વિપક્ષના અશ્વિન પટેલે આ દરમિયાન બીજી કોઈ ગ્રાન્ટ આવે તો તેના આયોજનને પણ આમાં સમાવેશ કરવા જણાવ્યું હતું.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *