વડાપ્રધાનના નેતૃત્વમાં વૃક્ષારોપણ આજે જન આંદોલન બન્યું છે : બલવંતસિંહ રાજપૂત
પાટણ જિલ્લાના ૭૬ મા જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી રવિવારે પાટણ ખાતે હેમચંદ્રાચાર્યે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત જિલ્લામાં ૧૪.૬૯ લાખ રોપાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વન મહોત્સવ મોડલ હેઠળ ૨૭.૩૫ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. જે રોપાઓને ગ્રામ પંચાયતો, સ્વૈચ્છિક-સરકારી સંસ્થાઓ,ખેડૂતો તેમજ અન્ય જનતામાં વિતરણ કરવાની કામગીરી જૂન માસથી ચાલુમાં છે.
પાટણ જિલ્લામાં જંગલની જમીન તેમજ જંગલ સિવાયની જમીનમાં વૃક્ષનું પ્રમાણ વધે તે માટે ચાલુ વર્ષે ખાતાકીય વાવેતર તેમજ વન મહોત્સવ થકી અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વિવિધ યોજનાઓ હેઠળ જંગલ વિસ્તારમાં તેમજ જંગલ સિવાયના બહારના વિસ્તાર જેવા કે ગૌચર, સ્વૈછિક સંસ્થા, સ્મશાન ભૂમિ, ખેડૂતોની જમીન તેમજ રોડ વિસ્તારમાં રોપાઓનું વાવેતર થકી જિલ્લાને લીલોછમ કરવાનો લક્ષ્યાંક છે. આ પ્રસંગે HODCO ના ચેરમેન કે.સી.પટેલ દ્વારા વન મહોત્સવ લક્ષી ઉદબોધક પ્રવચન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોના લીધે ગુજરાત વનીકરણ દિશામાં આગળ વધી રહ્યું છે. વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલમુન્શી દ્વારા કરવામાં આવી હતી
જેને ગુજરાતમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સિંહ ફાળો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી દ્વારા સને ૨૦૦૪માં વન મહોત્સવ ને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કર્યો. જેથી સમગ્ર ભારત અને ગુજરાતમાં વનવિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. ભારતનો સમગ્ર વન આવરણ ૨૨% છે જેના પ્રમાણમાં ગુજરાતમાં વન આવરણ વધે તે માટે આપણે સામુહિક પ્રયત્નો કરવા જોઈએ. ભવિષ્યમાં જ્યારે ભારત મહાસત્તા બનશે ત્યારે આપણે ભાવિ પેઢીને પર્યાવરણ નહીં આપીએ તો ? એટલા માટે જ દરેકે સંકલ્પ કરવો પડશે અને વૃક્ષો વાવવા આગળ આવવું પડશે. આપણે સૌએ જીવનમાં ઓછામાં ઓછા ૧૬ વૃક્ષો નું વાવેતર કરી તેનું જતન કરીએ. અને ભાવિ પેઢીને પ્રેરણા આપીએ. કારણ કે પર્યાવરણના લીધે જ આયુષ્ય વધે છે તેમજ તાપમાનની ડિગ્રી માં ઘટાડામાં પર્યાવરણ અગત્યનો ભાગ ભજવે છે.

