ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને ઝઠપી લેવા ચક્રો ગતિમાન કયૉ
પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રૂ.૨, ૭૪,૭૭,૦૦૫ નું સાયબર ફોડ આચરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ અન્ય ગુનેગારો સાથે મળીને મ્યુલ બેંક ખાતાઓ ખોલાવી, તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી, ચેક અને ATM દ્વારા ઉપાડી કમિશન મેળવતા હતા. આ કાર્યવાહી ભારત સરકારના 14 C (ઈન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર), નવી દિલ્હી તરફથી મળેલી મ્યુલ બેંક એકાઉન્ટની માહિતીના આધારે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ સાયબર ક્રાઇમ પોલીસના પીઆઈ.પી.વી. વસાવાના નેતૃત્વ હેઠળની ટીમે આ અંગે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન, ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓમાં મોટા પાયે અન ઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું હતું. આ ખાતાઓનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં નોંધાયેલી સાયબર ક્રાઇમની ફરિયાદોમાં થયો હતો.બંધન બેંકના એકાઉન્ટ નંબર 20200073822751 ના ગ્રાહક રાજેશકુમાર દાદુજી ઠાકોર અને સહ-આરોપી ઠાકોર વિકાસ વિનોદજીએ 09/12/2024 થી 30/09/2025 ના સમય દરમ્યાન રૂ 1,60,14,604 નું અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું.
આ ખાતાનો ઉપયોગ કર્ણાટક, પંજાબ અને આંધ્રપ્રદેશ રાજ્યોની 4 ફરિયાદોમાં થયો હતો.ઇન્ડસઇન્ડ બેંકના એકાઉન્ટ નંબર 188200866419 નાધારક સાગરભાઈ ચંન્દ્રકાંતભાઈ સોલંકી અને સહ-આરોપીઓ પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ તથા પ્રજાપતિ બ્રીજેશભાઈ જયેશભાઈએ 29/10/2023 થી 18/04/2025 દરમિયાન રૂ. 59,65,063 નું અન ઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું.આ ખાતાનો ઉપયોગ ગુજરાત (રાજકોટ શહેર) અને વેસ્ટ બંગાળ રાજ્યોની 2 ફરિયાદોમાં થયો હતો.IDFC ફર્સ્ટ બેંકના એકાઉન્ટ નંબર 10208417061 ના ધારક સુરેશભાઈ માનસીભાઈ ચૌધરી અને સહ-આરોપી સાગર મોહનભાઈ અમૃતીયા પટેલે 01/01/2025 થી 04/05/2025 દરમ્યાન રૂ. 54,97,338 અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું.આ ખાતાનો ઉપયોગ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક અને ઓડીસા રાજ્યોની 6 ફરિયાદોમાં થયો હતો.
આ ત્રણેય કેસમાં સાયબર છેતરપિંડી દ્વારા નાણાં મેળવવામાં આવ્યા હોવાથી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાટણ ખાતે ગુ.ર.નં.11217042250007/2025 અને 11217042250008/2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 317(2), 318(4), 61(2) (B) તથા આઈ.ટી.એક્ટ-2000 ની કલમ 66(D) મુજબ ગુના નોંધાયા છે.આ ઉપરાંત, પાટણ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11217020251008/2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 317(2), 317(4), 317(5), 61(2) (A) મુજબ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ કેસમાં સાયબર પોલીસે ચાર આરોપીઓને ઝડપ્યા છે જેમાં રાજેશ દાદુજી ઠાકોર રહે.પાટણ,ઠાકોર વિકાસ વિનોદજી રહે. પાટણ,સાગર ચંન્દ્રકાંતભાઈ સોલંકી રહે. પાટણ,સુરેશ માનસીભાઈ ચૌધરી રહે.કસરા,બ.કાંઠાનો સમાવેશ થાય છે જયારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓમાં પ્રજાપતિ બ્રીજેશ જયેશભાઈ રહે. ઉનાવા,મહેસાણા, પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ રહે. ઉનાવા, મહેસાણા અને સાગર મોહનભાઈ અમતીયા રહે. વસ્ત્રાલ, અમદાવાદ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
તેઓ સાયબર ક્રાઇમ આચરતા ગઠિયાઓ સાથે મળી ઓનલાઈન ઠગાઈની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સહભાગી બનતા હતા. તેઓ પોતાના નામે બેંક ખાતાઓ ખોલાવી ભાડેથી આપતા હતા, જેથી સાયબર ફ્રોડ કરનારા તેમના મળતિયાઓને આ ખાતામાં નાણાં નાખવા માટે પ્લેટફોર્મ મળી રહે. આ રીતે તેઓ કમિશન પેટેની રકમો મેળવીને છેતરપિંડીની પ્રવૃત્તિ કરતા હોવાનું સાયબર પોલીસના સુત્રોએ જણાવ્યું હતું.

