શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી આગેવાનોએ પાટણ મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યુ
રેશન કાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની પ્રક્રિયા સરળ તથા વ્યવહારુ કરી પ્રજાની મુશ્કેલી દૂર કરવા પાટણ કોગ્રેસ દ્રારા માંગ કરી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી આગેવાનોએ પાટણ મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેર કોગ્રેસ દ્રારા અપાયેલ આવેદનપત્ર મા જણાવાયું હતું કે હાલમાં રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસીની પ્રક્રિયા ચાલી રહી છે અને આ પ્રક્રિયા ને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની સૂચના સરકારી તંત્ર દ્વારા આપી જ્યાં સુધી આ પ્રક્રિયા 100% પૂર્ણ ન થાય ત્યાં સુધી રેશન કાર્ડ ધારકને રાહત દરે મળતી જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓ નહીં આપવાનો પણ તઘલખી નિર્ણય સરકારી તંત્ર દ્વારા લેવામાં આવેલ છે.
આ ઇ-કેવાયસીની પ્રક્રિયા ખૂબ જટિલ હોવાની સાથે સર્વર ડાઉન હોવા અને ઇંટરનેટ કનેક્ટિવિટીના પ્રશ્નો પણ છે. વધુમાં રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરતાં નામ માં સામાન્ય ફેરફાર જેમ કે બેન- બહેન, ભાઈ-કુમાર હોય તો પણ ઇ-કેવાયસીની પ્રક્રિયા કરવામાં વિક્ષેપ થાય છે. આવા સંજોગોમાં આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થઇ શકે તેમ નથી.
ઉદાહરણ તરીકે એક પરિવારના પાંચ સભ્યો માંથી એક કે બે સભ્ય રોજગાર અર્થે બહાર ગામ હોય તો જ્યાં સુધી પરિવારના પાંચેય સભ્યોની ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એ પરિવાર ને કોઇ રાશન ન મળે જે નિર્ણય પણ વ્યવહારૂ નથી, પરિવારના જેટલા સભ્યોનું ઈ-કેવાયસી થયું હોય એટલા રાભ્યોને રાહત દરે રાશન મળવું જોઇએ જેથી એ પરિવાર પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને સામાન્ય જીવન જીવતા સમાજના બહોળા હિસ્સાને આ બાબત સ્પર્શતી હોઇ આ અંગે ગંભીરતા દાખવી સત્વરે આ સમસ્યાઓનુ ત્વરવી નિવારણ કરવાની માગ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઈ- કેવાયસી મામલે શહેર કોંગ્રેસ દ્વારા અપાયેલા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલ સહિત કોગ્રેસ આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.