લઘુમતી-દલિત મતદારોના નામ કાઢવા ભાજપની ગુપ્ત મીટિંગમાં સૂચના અપાયાનો પાટણ કોંગ્રેસનો ગણગણાટ
કોગ્રેસ દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર અને પાટણ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. પાટણ કોંગ્રેસે સમિતિ દ્વારા ભાજપના પદાધિકારીઓ પર મતદાર યાદીમાંથી ચોક્કસ જ્ઞાતિ અને સમુદાયના મતો ઘટાડવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાનો ગંભીર આક્ષેપ કરી પાટણ કોગ્રેસ દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર અને પાટણ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલના જણાવ્યા અનુસાર, 17 ડિસેમ્બર, 2025 ના રોજ પાટણ માર્કેટ યાર્ડના હોલ ખાતે ભાજપના બૂથ લેવલના કાર્યકરોની ગુપ્ત બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ભાજપના જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ દ્વારા કાર્યકરોને સૂચના અપાઈ હતી કે આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસનું સમર્થન ઘટાડવા માટે દરેક બૂથ દીઠ 40 થી 50 મતદારો ઓછા કરવા તેઓ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ પત્રમાં ઉલ્લેખ કરી જણાવાયું છે કે, આ બેઠકમાં ખાસ કરીને 2002 ની મતદાર યાદીનો ઉલ્લેખ કરીને 50 વર્ષથી વધુ વયના મુસ્લિમ અને દલિત સમાજના મતદારોના નામ કોઈપણપુરાવા વગર કમી કરવા દબાણ કરાયું હતું. કોંગ્રેસનો દાવો છે કે જીવિત મતદારોના નામ પણ યાદીમાંથી દૂર કરવા અને અધિકારીઓ પુરાવા ન માંગી શકે તે રીતે કાર્યવાહી કરવા માર્ગદર્શન અપાયું હતું. પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8 અને 10 માંથી 100 થી 200 મતદારો ઘટાડવા માટેની ચોક્કસ સૂચનાઓ અપાઈ હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું છે.
આ મામલે કોંગ્રેસે માર્કેટ યાર્ડના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને લોકશાહીના પવિત્ર મતાધિકારનું રક્ષણ કરવા માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપવાની માંગ કરી છે. આ ઉપરાંત, ખેડૂતોના હિત માટે બનેલી સહકારી સંસ્થાના હોલનો રાજકીય હેતુ માટે ઉપયોગ કરવા બદલ યાર્ડ પાસેથી ભાડું વસૂલવા અને રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરવાની પણ માંગણી કોગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


