ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 IPS અધિકારીઓની સામુહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠાની નવી રેન્જ ઊભી કરાઈ છે, જેમાં IG તરીકે પરિક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના જોરાવર પેલેશ ખાતે નવી રેન્જ આઇ.જી ની કચેરી ઉભી કરવામાં આવશે. હાલમાં જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રેન્જ આઈ.જી નો અલગ પોલીસ વિભાગ બનશે. જ્યાંથી બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ, ત્રણેય જિલ્લા પર રેન્જ આઈજી દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધી નજર રાખવામાં આવશે
રેન્જ આઈજીની મુખ્ય જવાબદારીઓ વાત કરીએ રેન્જ હેઠળ આવતા જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી,પોલીસ કામગીરી પર સીધી નજર રાખવી અને ફરિયાદોનું ઝડપી નિવારણ કરવું, ગંભીર ગુનાઓની તપાસ અને નિયંત્રણ માટે નિર્દેશો આપવા તેમજ જિલ્લા પોલીસ વડાઓની કામગીરીનું નિરીક્ષણ કરવાનું હોય છે.

