પોલીસના આંખમિચામણા વચ્ચે ગોરખ ધંધા ચાલતા હોવાની રાવ
કેફેમાં દુષ્કર્મની ઘટના બાદ પોલીસ હરક્તમાં: કેફે સંચાલકો ને ફટકારી નોટીસ
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવાનો પોલીસનો પ્રયાસ; પાલનપુર પંથકની એક કોલેજીયન યુવતી સાથે મિત્રતા કેળવી તેનો અશ્લિલ વીડિયો ઉતારી લઈ તેના થકી બ્લેકમેઇલ કરી તેના પર એક સગીર સહિત 6 લોકોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટનાએ સભ્ય સમાજ સહિત વાલીઓ ચિંતાતુર બન્યા છે. જોકે, આ ઘટનામાં ન્યુ એસ.ટી. બસ પોર્ટમાં આવેલ કેફે દુષકર્મનું કેન્દ્ર બન્યું હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હરકતમાં આવેલી પોલીસે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવાનો પ્રયાસ કરતી હોય તેમ 8 જેટલા કેફે સંચાલકોને નોટીસ ફટકારી હોવાના અહેવાલ સાંપડ્યા છે.
પાલનપુરમાં કોલેજીયન યુવતીનો અશ્લિલ વિડીયો ઉતાર્યા બાદ તેના માધ્યમ થી છ લોકોએ દુષ્કર્મ આચર્યુ હતું. જેમાં યુવતીને અલગ અલગ સમયે અને અલગ અલગ ઠેકાણે લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદને પગલે અભ્યાસ કરતી અને ઉંમરલાયક યુવતીઓના માતા પિતાની ચિંતા માં વધારો થાય તે સ્વાભાવિક છે. ત્યારે પાલનપુર બસપોર્ટના એક કેફેમાં શટર બંધ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાની ફરીયાદને પગલે પાલનપુર શહેર પશ્વિમ પોલીસ હરકતમાં આવી છે. પોલીસે બસપોર્ટમાં ચાલતા આઠ જેટલા કેફેના સંચાલકોને તેમના લાયસન્સ સાથે હાજર રહેવા નોટીસ આપી છે. અને જો આધાર પુરાવા સાથે હાજર ન રહે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પાલનપુર શહેર પશ્ચિમ પી.આઈ. પી.આર.મારુંએ જણાવ્યું હતું.
પોલીસના આંખ આડા કાન વચ્ચે અસામાજિક પ્રવૃતિ ઓ ફૂલી ફાલી; ન્યુ એસ.ટી.બસ પોર્ટએ અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂક્યું હોવાની રાવ ઉઠી છે. અગાઉ બસ પોર્ટ પર વિદ્યાર્થીઓ ના બે જુથો વચ્ચે તલવારો ઉછળતા હિંસક અથડામણ થતા વેપારીઓમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. તો વળી ગત એપ્રિલ માસમાં બસ પોર્ટ સ્થિત કેફેમાં પોલીસને જોઈને બે યુવતી ઓએ મોતની છલાંગ લગાવી હતી. આમ,પાલનપુરમાં ચાલતા કેફે, સ્પા સેન્ટર અને ગેસ્ટ હાઉસો પર પોલીસની રહેમ નજર તળે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળતા આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. ઘટના ઓ ઘટ્યા બાદ પોલીસ થોડા દિવસ કડકાઈ કર્યા બાદ રહસ્યમય કારણોસર ઢીલું મૂકે છે. જેને પગલે અસામાજિક પ્રવૃતિઓ ફૂલીફાલી રહી હોવાની રાવ ઉઠી છે.