બહુમતિના જોરે રૂ.35.18 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર
વિપક્ષે બજેટની કોપીઓ ફાડી સભામાં ફેંકી: બજેટને બોગસ ગણાવતો વિપક્ષ
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સને-2025-26નું રૂ.35.18 કરોડની પુરાંત વાળું બજેટ રજૂ કરાયું હતું. જે બજેટને બહુમતિના જોરે શાસક પક્ષે ગણતરીની મીનીટોમાં મંજુર કર્યું હતું. ત્યારે વિપક્ષે બજેટની કોપીઓ ફાડીને સભામાં ફેંકી હોબાળો મચાવતા બજેટને બોગસ બજેટ ગણાવ્યું હતું.
પાલનપુર નગરપાલિકાની યોજાયેલી સાધારણ સભા માં સને-2025- 26નું રૂ.35.18 કરોડની પુરાંત વાળું બજેટ રજૂ કરાયું હતું. જે બેઠકમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે શાસક પક્ષે ચર્ચા કર્યા વિના ગણતરીની મીનીટોમાં બજેટ મંજુર કરી બોર્ડ આટોપી લીધું હતું. બજેટમાં વિકાસની કોઈ વાત ન હોઈ વિપક્ષે બજેટને બોગસ ગણાવ્યું હતું. પાલિકાના પાપે પાર્કિંગના અભાવે ઇ-મેમોમાં પાલનપુર નંબર વન આવ્યું છે. ત્યારે ગરીબોના દબાણો તોડનાર પાલિકા પાર્કિંગ વિનાના કોમર્શિયલ બંધકામોને છાવરતી હોવાના તથા પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાનમાં ગરીબો જ ભોગ બનતા હોવાના આક્ષેપો વિપક્ષના આશાબેન રાવલ અને અંકિતા ઠાકોરે કર્યા હતા. જ્યારે નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ વિપક્ષના હોબાળાને પ્રિ-પ્લાનિંગ ગણાવ્યો હતો. તેઓએ વિપક્ષના આક્ષેપો નો બચાવ કરતા લેખિતમાં રજુઆત મળશે તો કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. આમ, વિપક્ષના હોબાળા વચ્ચે પાલનપુર નગર પાલિકાનું બજેટ બહુમતિએ મંજુર થયું હતું.
પ્લાસ્ટિક મુક્ત પાલનપુર પોકળ:-વિપક્ષ પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન છેડવામાં આવ્યું છે. જેમાં માત્ર લારી-ગલ્લાવાળા ગરીબો જ ભોગ બને છે. ત્યારે પ્લાસ્ટિકના ઉત્પાદન કર્તાઓ સામે પગલાં ભરવાનો ઠરાવ કરી સરકારને મોકલવા વિપક્ષના આશાબેન રાવલે સૂચન કર્યું હતું. જોકે, શાસક પક્ષે આવો ઠરાવ કરવાનું ટાળ્યું હતું.
પાલિકાના પાપે ઇ-મેમો માં પાલનપુર નંબર વન; પાલનપુર નગરપાલિકા દ્વારા દબાણો તોડવાનું નાટક ભજવાય છે. દબાણો દૂર કરવાની પ્રતિકાત્મક કામગીરી કરતી પાલિકાને નાના અને ગરીબ લોકો ના જ દબાણો દેખાય છે. જ્યારે પાર્કિંગ વિનાના કોમર્શિયલ બાંધકામો પાલિકાના શાસકોને દેખાતા નથી. પાર્કિંગ વિનાના બાંધકામોને મંજૂરી અપાતી હોઈ ટ્રાફિકની સમસ્યા વકરી છે. જેનો ભોગ નગરજનો બની રહ્યા છે. જેથી ઇ-મેમો માં પાલનપુર નંબર વન આવ્યું હોવાનો દાવો કરતા વિપક્ષે પાલિકાના પાપે નગરજનો દંડાઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.
બોગસ બજેટ:- વિપક્ષ પાલનપુર નગરપાલિકા દ્વારા બજેટમાં નવા વિસ્તારોમાં નવા કોઈ આયોજન કરાયા નથી. બજેટ નગરજનોની આશા- અપેક્ષાઓમાં ઉણું ઉતર્યું હોઈ બજેટને વિપક્ષે બોગસ ગણાવ્યું હતું. જોકે, “રખેવાળ”ની ટકોર બાદ વિપક્ષ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. વિપક્ષે બજેટની કોપીઓ ફાડી ને ફેંકી હતી. તો વિપક્ષના નેતાએ માઇક પછાડીને વિરોધ જતાવતા વિપક્ષના આક્રમક મિજાજ જોતા પોલીસને દોડી આવવાની ફરજ પડી હતી.
“રીલ” છોડી “રિયલ” કામ કરે; પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો “રીયલ”માં પ્રજાના સુખાકારીના કામ કરવાના બદલે “રીલ” બનાવી સોશિયલ મીડિયા માં ખોટા દેખાવો કરી સસ્તી પબ્લિસિટી માટેના નુસખા અપનાવી રહ્યા હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાલિકાના સત્તાધીશો કેમેરાની “રીલ” માંથી બહાર આવી “રીયલ”માં લોકોની સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે.