પાલનપુર બન્યું ખાડાનગર : એજન્સીના વાંકે શહેરીજનોને ડામ

પાલનપુર બન્યું ખાડાનગર : એજન્સીના વાંકે શહેરીજનોને ડામ

ભૂગર્ભ ગટર લાઇનનું 94 કરોડનું કામ કરનાર એજન્સીએ 6 -6 મહિના પહેલા ખોદેલા ખાડા પૂરવાની પણ ફુરસત નથી

બિસ્માર રસ્તાઓથી પાલનપુર શહેરના દોઢ લાખ શહેરીજનો ત્રસ્ત, રસ્તા ત્વરિત રિપેર નાં કરે તો એજન્સીનું પેમન્ટ અટકાવો: શહેરીજનો પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરના નેટવર્કની કામગીરી શરુ કરાયા બાદ શહેરીજનો અને પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરના નેટવર્કની કામગીરી શરુ કરાયા બાદ શહેરીજનો અને પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂગર્ભ ગટરની કામગીરી માટે જે રોડ ખોદવામાં આવ્યા છે. તે રોડનું પેચવર્ક અને રીપેરિંગ કાર્ય ન કરતા એજન્સી અને જવાબદાર તંત્રના લીધે શહેરીજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પાલનપુર શહેરમાં હાલમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થતા વાલીઓ સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી ગયા છે. પરંતુ ખોદેલા રોડના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. તેની સાથે જ એક તરફનો અડધો રોડ ખોદી દેતા વાહનોના કારણે ધૂળ ઉડી રહી છે. સાથે જ શહેરના માર્ગો ખાડા ટેકરા વાળા ધૂળિયા બની ગયા છે. જેના કારણે લોકો છેલ્લા દોઢ મહિનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોએ જ કહ્યું કે, રજૂઆતો કરી પરંતુ કોઈ સાંભળતું નથી. અધિકારીઓ પણ આજ રસ્તે નીકળે છે. તેમ છતાં કોઈ જ ધ્યાન નથી આપતું.

એક તરફ નગરપાલિકા દ્વારા એજન્સીનું ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, બીજી તરફ છેલ્લા દોઢ એક મહિનાથી નગરજનો બિસ્માર બનેલા માર્ગોના કારણે હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે જવાબદાર એજન્સી સામે નગરપાલિકાએ આજ દિન સુધી કેમ કોઈ કડકાઈ નથી દાખવી કે કાર્યવાહી નથી કરી. તે એક મોટો સવાલ છે. ત્યારે જોવાનું રહ્યું કે, હવે ક્યાં સુધી આ એજન્સીના પાપે નગરજનોને મુશ્કેલી વેઠવી પડશે.

રોડ પર પેચવર્કની કામગીરી નથી કરાઈ: પાલનપુર શહેરમાં બાકી રહી ગયેલ અને ન્યુ ડેવલપ એરિયામાં ભૂગર્ભ ગટરની કામગીરી અંદાજિત 94.30 કરોડના ખર્ચે અમદાવાદની જય વારૂડી એજન્સીને કામ આપવામાં આવ્યું છે. જે બાદ એજન્સી દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘણા વિસ્તારોમાં આ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું. હોવા છતા ખોદેલા રોડ ફરી રીપેરીંગ ન કરાતા શહેરના માર્ગો બિસ્માર બન્યા છે. જેથી નગરજનો હાલમાં બિસ્માર માર્ગોના કારણે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.

તંત્રની કામગીરી અંગે સવાલ: એજન્સી દ્વારા ભૂગર્ભ ગટર માટે પાઈપ લાઇન નાખ્યા બાદ ખોદેલા રોડ ફરી રીપેરીંગ કરવા અને પેચિંગ વર્ગ કરવા માટેની જવાબદારી ખુદ એજન્સીની હોય છે. પરંતુ રોડ ખોદી દીધા બાદ ફરી તેને બનાવવામાં એજન્સી કોઈ જ રસ ન દાખવતા હવે નગરજનો માટે આ કામગીરી માથાના દુખાવા સમાન બની ગઈ છે. આઈટીઆઈ રોડ ખાતે પોતાની દુકાન ધરાવતા એક દુકાનદારે તંત્રની કામગીરી સામે જ સવાલો ઉઠાવ્યા હતા. એટલું જ નહીં તેમને ગંભીર આક્ષેપો પણ કર્યા હતા અને આ ઉડતી ધૂળના કારણે દુકાનદારો હાલાકી અને નર્ક જેવી સ્થિતિ બની ગઈ છે. તેવો બળાપો ઠાલવ્યો હતો.

પેચવર્ક કાર્ય ઝડપથી પૂર્ણ કરવા એજન્સીએ ખાત્રી આપી છે: ચીફ ઓફિસર આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર જે.જે. પટેલે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા આ મામલે એજન્સીને ધ્યાન દોરવામાં આવ્યું છે અને વહેલી તકે આ ખોદેલા રોડનું પેચિંગ વર્ક શરૂ કરવામાં આવે તેવી જરૂરી સૂચના આપવામાં આવી છે. જોકે, એજન્સી દ્વારા પણ વહેલી તકે શહેરના રોડની રીપેરીંગની કામગીરી શરૂ કરાશે તેવી ખાતરી આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *