પાલનપુર શહેરના રેલવે સ્ટેશન રોડ સહિત માર્કેટમાં થયેલા દબાણો સામે થયેલી ફરિયાદોને પગલે પાલનપુર નગરપાલિકાએ દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં રોડ પર અડચણરૂપ 20 જેટલા દબાણો દૂર કરાયા હતા.
પાલનપુર શહેરના સ્ટેશન રોડ, સીમલાગેટ, માર્કેટ સહિતના વિસ્તારોમાં થયેલા દબાણો સામે જુદા જુદા અરજદારો દ્વારા રજૂઆતો કરાઈ હતી. જેને પગલે નગરપાલિકાએ દબાણદારોને નોટિસ ફટકારી સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની તાકીદ કરી છે. જોકે, દબાણદાર વેપારીઓએ સ્વેચ્છા એ દબાણ દૂર ન કરતા આજે પાલનપુર નગરપાલિકા દ્વારા સીટી સર્વે અને જીઈબી સ્ટાફ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું. પાલનપુર શહેરમાં પાકા દબાણો સામે આંખ આડા કાન કરનારી નગરપાલિકા દ્વારા રોડ પરના નડતરરૂપ ઓટલા, શેડ સહિતના 20 જેટલા દબાણો દૂર કરાયા હતા. જોકે, દબાણો દૂર કરવા સમયે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
શહેરભરમાં પાકા દબાણો સામે આંખ આડા કાન; પાલનપુર નગરપાલિકાના રાજમાં વગર મંજૂરીએ કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા હોવાની રાવ વચ્ચે પાર્કિંગ વગરના કોમ્પલેક્ષો ધમધમી રહ્યા છે. જેની સામે પાલિકા આંખ આડા કાન કરી રહી હોવાની બુમરાણ મચી છે. જોકે, શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ કાચા-પાકા દબાણો સામે આંખ મિચામણા કરનાર પાલિકા તંત્ર ખુદ દબાણદારોને છાવરી રહ્યું હોવાની રાવ ઉઠી છે. માર્કેટ માં સી.એમ.પોર્ટલ સમક્ષ થયેલી ફરિયાદો બાદ કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં પોઢેલું પાલિકા તંત્ર જાગ્યું હતું. ત્યારે શહેરભરમાં કાચા પાકા દબાણો પર પાલિકા તંત્ર ક્યારે બુલડોઝર ફેરવે છે તે જોવું રહ્યું..!
ગેરકાયદેસરના માર્કેટમાં દબાણો દૂર કરાયા..! પાલનપુર નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવા અપાયેલી નોટિસમાં મટન માર્કેટનો ઉલ્લેખ કરાયો છે. જોકે, પાલનપુરમાં પાલિકાના રેકર્ડ પર માર્કેટ કાયદેસર છે ખરા??? જો ગેરકાયદે માર્કેટ ચાલતું હોય તો પછી માર્કેટ બંધ કરાવવાને બદલે માર્કેટના દબાણો દૂર કરાવવા નીકળેલા પાલિકાના સત્તાધીશો ખુદ માર્કેટમાં ગેરકાયદે વેપલો કરતા તત્વોને છાવરી રહ્યા હોવાની રાવ ઉઠી છે.