પસંદગી સમિતિ દ્વારા લેખિત પરીક્ષા અને એજન્સી નક્કી કરવા નિર્ણય લીધો. પાટણ નગરપાલિકામાં વિવિધ સંવર્ગની કુલ 22 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી સમિતિની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયા માટે લેખિત પરીક્ષાના આયોજન અને ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે એજન્સીની નિમણૂક કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.પ્રાદેશિક કમિશનર, ગાંધીનગર ઝોન દ્વારા મંજૂર કરાયેલા મહેકમ મુજબ, પાટણ નગરપાલિકામાં વર્ગ-3ની 22 જગ્યાઓ પર સીધી ભરતીની મંજૂરી મળી છે. પાટણ નગરપાલિકા ખાતે પ્રમુખ હીરલબેન પરમારના અધ્યક્ષસ્થાને મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ અંગેનો એજન્ડા રજૂ કરી ઠરાવ નંબર 1 પસાર કરાયો હતો.આ ભરતીમાં ક્લાર્ક, ટેક્સ ઇન્સ્પેક્ટર,ઓડિટર,સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર, ટાઉન પ્લાનર અને વાયરમેન સહિતના વિવિધ ટેકનિકલ અને વહીવટી સંવર્ગોનો સમાવેશ થાય છે.ભરતી પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે લેખિત પરીક્ષા લેવા અને મેરિટ તૈયાર કરવા સરકાર માન્ય સંસ્થાઓ અથવા યુનિવર્સિટીઓ પાસેથી ભાવો મંગાવવાનો નિર્ણય લેવાયો છે.
આ માટે 7 દિવસની સમય મર્યાદામાં દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આપી સ્પર્ધાત્મક ભાવો મંગાવવામાં આવશે જેમાં સૌથી ઓછા ભાવ આપનાર યોગ્ય સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવશે.ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકારના ધારાધોરણ મુજબ પરીક્ષા ફીની ચુકવણી કરવાની રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાનો સિલેબસ સરકાર દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે. સમિતિ દ્વારા જણાવાયું છે કે સંપૂર્ણ પ્રક્રિયા મેરિટના આધારે પારદર્શક રીતે કરવામાં આવશે.આ બેઠકમાં ચીફ ઓફિસર હીરલ ઠાકર સહિત સમિતિના સભ્યો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

