રવિવારે સવારે ૮-૩૦ કલાકે આનંદ સરોવર સમિપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે
ભારત ભરની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણ જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતે થી તારીખ ૨૭ જૂન ને અષાઢી બીજ ના પવિત્ર દિવસે નીકળનારી ૧૪૩ મી રથયાત્રા ના ઉપલક્ષ્યમાં શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૧ જૂનથી તારીખ ૨૭ જૂન દરમિયાન આયોજિત કરાયેલા વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથો નો શનિવાર અને અગિયારસના પવિત્ર દિવસથી ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નિમિત્તે શનિવારે ભગવાન શ્રી જગન્નાથના મંદિરે ૧૧૪૩ કિલો કેરી, પપૈયું, કેળા સહિત ના ફ્રુટ નો મનોરથ ભગવાન સન્મુખ યોજાયો હતો.
આ મનોરથમાં ૧ હજાર કિલો કેરી,૬૦ કિલો પપૈયું,૬૦ કિલો કેળા,૨૩ કિલો ખારેક સહિત ના વિવિધ ફૂટનો ઉપયોગ કરાયો હતો. મંદિર પરિસરમાં આયોજિત આ ફ્રુટના મનોરથ ને તૈયાર કરવામાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત જગન્નાથ ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હોવાનું મંદિર ના પુજારી કનુભાઈ શુકલ એ જણાવ્યું હતું તો આ મનોરથના દર્શન માટે વહેલી સવારથી જ જગન્નાથ ભક્તો ની મંદિર પરિસર ખાતે ભીડ જામી હતી.
રવિવારે ભગવાન જગન્નાથજી ની ૧૪૩ મી રથયાત્રાને લઈને પાટણ શહેરના આનંદ સરોવર સમીપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથજીની ભક્તિમય માહોલ વચ્ચે સંગીતના શું મધુર સુરો સાથે સવારે ૮-૩૦ કલાકે જળયાત્રા પ્રસ્થાન થશે.જે જળયાત્રા ગણેશ આશ્રમ થઈ સુભાષચોક, જૂના ગંજ બજાર,હિંગળાચાચર, ધીવટા થઈ બહુચર માતાજી મંદિર થી ભગવાન જગન્નાથ ના મંદિર ખાતે સંપન્ન બનશે. ત્યારબાદ આ પવિત્ર જળ થી ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નો અભિષેક કરવામાં આવનાર હોય આ જળયાત્રાના ધાર્મિક પ્રસંગમાં પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાને જોડાવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિ કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિત ટ્રસ્ટીગણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

