ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં શરમજનક પ્રદર્શન બાદ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ જીતની આશા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ પરિસ્થિતિ એવી જ રહી. પાકિસ્તાની ટીમ પહેલા 5 મેચની ટી20આઈ શ્રેણી હારી ગઈ હતી અને હવે ઓડીઆઈ શ્રેણીમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન ન્યુઝીલેન્ડે પ્રથમ બે વનડે જીતીને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે બીજી વનડેમાં પાકિસ્તાનને 84 રનથી હરાવ્યું. આ રીતે, પાકિસ્તાનને સતત 5મી ઓડીઆઈ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. વનડે શ્રેણીમાં સતત બે મેચ હાર્યા પહેલા, પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે મેચ અને ત્રિકોણીય વનડે શ્રેણીની ફાઇનલમાં પણ હારી ગયું હતું.
પાકિસ્તાનના બેટ્સમેનોએ નિરાશ કર્યા; હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 292 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી વિકેટકીપર-બેટ્સમેન મિશેલ હેએ સૌથી વધુ રન બનાવ્યા. મિશેલ હેએ 78 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 99 રનની અણનમ ઇનિંગ રમી. તે તેની પહેલી ODI સદીથી માત્ર 1 રન દૂર રહ્યો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમ જુનિયર અને સુફિયાન મુકીમે 2-2 વિકેટ લીધી.