ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી શ્રદ્ધેય લક્ષ્મણરાવ ઈનામદાર પુરસ્કારથી સન્માનિત કરાયા
સહકાર ભારતીએ આપેલા સન્માને મને સહકારિતા ક્ષેત્રે વધુ ઉત્તમ કાર્ય માટેની પ્રેરણા આપી છે : શંકરભાઇ ચૌધરી
પંજાબના અમૃતસર ખાતે સહકાર ભારતીના 8માં રાષ્ટ્રીય અધિવેશનનો ભવ્ય શુભારંભ થયો. સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનાનાથ ઠાકુર અને રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. ઉદય જોષી દ્વારા સહકાર ધ્વજના ધ્વજારોહણ બાદ 8મા સહકારિતાના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત કરવામાં આવી. પ્રથમ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. બનાસ ડેરીએ મરુસ્થલમાં કરેલી શ્વેતક્રાંતિ માટે શંકરભાઇ ચૌધરીને શ્રદ્ધેય લક્ષ્મણરાવ ઈનામદાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
રાષ્ટ્રીય અધિવેશનને સંબોધન કરતા દિનાનાથ ઠાકુરએ જણાવ્યું કે આ ખૂબ આનંદનો વિષય છે કે પ્રથમ વખત સેવા અને પવિત્રતાની ભૂમિ અમૃતસર ખાતે સહકાર ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થયું છે. સેવા ભાવનાથી પ્રેરિત થઇ વધુ ઊર્જા સાથે કાર્ય કરવા સહકારી આગેવાનોને પ્રોત્સાહિત કરાયા હતા. 2021માં સહકાર મંત્રાલયની સ્થાપનાથી સહકાર ક્ષેત્રે નવી જાગૃતિનું નિર્માણ થયું છે. આજે દેશમાં સહકાર ક્ષેત્રને નવી પ્રતિષ્ઠા મળી છે. જેનો શ્રેય સહકાર ભારતીને જાય છે. પ્રજાના સર્વાંગી વિકાસ માટે સહકાર મંત્રાલયના ધ્યેયને સહકાર ભારતીયે પોતાનું ધ્યેય બનાવ્યો છે. આ અધિવેશમાં ત્રણ દિવસ દરમિયાન સહકાર ભારતી દેશમાં સહકારિતા માટે ત્રણ વર્ષ માટેની કાર્યયોજનાઓ પર વિચારમંથન કરવામાં આવશે.
શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મારા માટે આ ખૂબ ગૌરવનો દિવસ છે. કે સહકાર ભારતીએ બનાસ ડેરીના સહકારિતા મોડલને સન્માન આપ્યું છે.બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકોનું આ સન્માન છે. આ સન્માન બનાસના પશુપાલકોનું છે. સહકાર ભારતીયે આપેલા આ સન્માનથી મને તેમજ બનાસના પશુપાલકોને વધુ ઉત્તમ કાર્ય માટે પ્રેરણા મળી છે. હું આપને વિશ્વાસ આપું છું કે બનાસ ડેરી આગામી સમયમાં દેશના લોકોના કલ્યાણ માટે કાર્ય કરશે. સહકાર ભારતીના સૂત્ર ‘વિના સંસ્કાર નથી સહકાર, વિના સહકાર નથી ઉદ્ધાર’ વિશે ચર્ચા કરી અને કહ્યું કે આ માત્ર શબ્દો નથી, પણ મંત્ર છે. આ મંત્રથી આપણામાં કામ પ્રત્યેનું સમર્પણ જન્મે છે.