તિરુપતિ માર્કેટના વેપારીઓ દ્વારા કરાયેલા ગેરકાયદેસરના દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરાયો
પાટણ નગરપાલિકાએ રવિવારે નવજીવન ચારરસ્તા પાસેના તિરૂપતિ માર્કેટમાં વેપારીઓ દ્વારા કરાયેલા ગેરકાયદેસરના દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી . તિરુપતિ માર્કેટમાં દુકાનદારો દ્વારા કરાયેલા ગેરકાયદેસર શેડ અને લારીઓના દબાણો JCBની મદદથી પાલિકાએ દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.શહેરમાં વધતા જતા ગેરકાયદેસર દબાણો અને તેના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પાલિકા તંત્ર સક્રિય બન્યું છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમની ટીમે શહેરના મુખ્ય વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ આ કાર્યવાહી શરૂ કરી હતી.પાલિકાની ટીમ રવિવારે જરૂરી કાફલા અને એક JCB મશીન સાથે નવજીવન ચાર રસ્તા પાસેના તિરુપતિ માર્કેટ પહોંચી હતી. અહીં દુકાનદારો દ્વારા પોતાની દુકાનની આગળ બનાવવામાં આવેલા ગેરકાયદેસર શેડ તોડી પાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, માર્કેટની બહાર અને માર્ગ પર ઊભી રહેતી લારીઓને પણ હટાવી દેવામાં આવી હતી.લાંબા સમયથી આ વિસ્તારમાં દબાણોને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવર જવરમાં મુશ્કેલી પડતી હતી. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, શહેરમાંથી ગંદકી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.

