ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો લાંબા સમયથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના મેદાનમાં વાપસીની રાહ જોઈ રહ્યા હતા, જે 2023માં ODI વર્લ્ડ કપ બાદથી સતત સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી બહાર હતો. ઈજાના કારણે શમી મેદાનમાં પરત ફરી શક્યો ન હતો, જેમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા તે ફિટ થઈ જશે તેવી દરેકને આશા હતી, જો કે ટીમની જાહેરાત સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. હવે શમી લગભગ એક વર્ષ પછી મેદાનમાં પાછો ફર્યો છે, જેમાં તે બંગાળ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચમાં રમી રહ્યો છે. જે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે.
શમીએ 4 મેડન ઓવર અને 4 વિકેટ પણ લીધી
મોહમ્મદ શમીએ મધ્યપ્રદેશ સામેની રણજી ટ્રોફી મેચમાં પ્રથમ દિવસે 10 ઓવર ફેંકી હતી પરંતુ તે કોઈ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો. બીજા દિવસની રમતમાં શમીના બોલમાં આ જ જૂની શૈલી જોવા મળી હતી, જેના કારણે એક સમયે 1 વિકેટના નુકસાન પર 106 રન બનાવી ચુકેલી મધ્યપ્રદેશની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 167 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ શમીએ કુલ 19 ઓવર નાંખી જેમાં તેણે 4 મેડન ઓવર ફેંકવાની સાથે 54 રન આપ્યા અને 4 વિકેટ પણ લીધી. મોહમ્મદ શમીએ લીધેલી ચાર વિકેટમાંથી તેણે ત્રણ ખેલાડીઓને બોલ્ડ કર્યા, આ સિવાય શમીએ એક ખેલાડીને વિકેટકીપર રિદ્ધિમાન સાહાના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો