સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે આજે સવારે 8 વાગ્યાથી દૂધ સાગર ડેરી પાસે, સર્વિસ રોડથી મોઢેરા ચોકડી સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે ભારતમાં દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા “રન ફોર યુનિટી-2025” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દોડમાં નેતાઓથી લઈ વિદ્યાર્થીઓ સુધીનાએ ભાગ લીધો
આ દોડ મહેસાણા દૂધ સાગર ડેરી પાસે, સર્વિસ રોડથી, રાધનપુર ચાર રસ્તાથી, મોઢેરા ચાર રસ્તા સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ખેલાડીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડસ, વિદ્યાર્થીઓ, મહેસાણાવાસીઓ તેમજ સર્વ રાષ્ટ્રપ્રેમી પ્રજાજન સહભાગી થયા હતા.
ઋષિકેશ પટેલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા
મહેસાણા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે સરદાર પટેલની 150મી જન્મજયંતિનો રૂડો અવસર છે.

