વન્ય જીવ અભ્યારણ્ય અંગે રાજ્ય સરકારની સ્પષ્ટતા; ગુજરાતમાં કેન્દ્ર સરકારની નીતિ મુજબ વન્ય જીવ અભયારણ્યની એક કિ.મી.ની ત્રિજ્યામાં માઈનિંગની કામગીરી માટે મંજૂરી આપવામાં આવતી નથી,જેથી છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી- બાલારામ અભયારણ્યની આસપાસ પ્રતિબંધ અંતર્ગત આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કે ભંગ થયો નથી તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.
રાજ્ય મંત્રી મુકેશ પટેલે ગૃહમાં વધુ વિગત આપતા કહ્યું હતું કે,બાલારામ વન્ય જીવ અભયારણ્ય હેઠળ ઈકો સેન્સિટીવ ઝોનમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના પાંચ તાલુકાના અંદાજે 133 ગામનો સમાવેશ થાય છે. આ ઈકો સેન્સિટીવ ઝોનમાં રહેતા ખેડૂતો ખેતી માટે કૂવો ખોદી શકે,વીજ જોડાણ લઈ શકે, હયાત રસ્તાનું સમારકામ,પશુ પાલન માટે તબેલો, ઘર, કમ્પાઉન્ડ વોલ, આ વિસ્તારમાં દવાખાનું, આંગણવાડી શાળા, ખેતી કરવા વિવિધ પાક,જૈવિક ખેતી, કુટીર ઉદ્યોગ, સોલાર પેનલ, કૌશલ્ય વિકાસ તેમજ પર્યાવરણ જાગૃતિ જેવી પ્રવૃત્તિ કરી શકાય છે.પરંતુ હોટલ વ્યવસાય, વૃક્ષ કાપવા, ઉદ્યોગો સ્થાપવા, કેબલ નાખવો, રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, રાત્રિના સમયે ખેતીના ઉપયોગ સિવાય વાહન ચલાવવું, ઘન કચરો અને પ્લાસ્ટિકનો નિકાલ તેમજ હેલિકોપ્ટરનો ઉપયોગ વગેરે પ્રવૃત્તિઓ માટે ફરજિયાત મંજૂરી લેવાની હોય છે. મંત્રીએ ગૃહમાં સ્પષ્ટપણે ઉમેર્યું હતું કે, પર્યાવરણ અને વન્ય જીવના હિતમાં આ વિસ્તારમાં માઈનિંગ પ્રવૃત્તિ માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી.