બનાસકાંઠામાં મધ્યાહન ભોજન ફૂડ સિક્યુરિટીનાં નાણાં ચાઉં કરવાનું કૌભાંડ

બનાસકાંઠામાં મધ્યાહન ભોજન ફૂડ સિક્યુરિટીનાં નાણાં ચાઉં કરવાનું કૌભાંડ

– કાંકરેજની ઉણ પ્રાથમિક શાળાનો આચાર્ય સસ્પેન્ડ

– કોરોના સમયે મીડ ડે મિલના ફૂડ સિક્યુરિટીનાં 10 લાખ રૂપિયા ચાંઉ કર્યા

– 10 લાખ રૂપિયા વ્યાજખોરો લઈ ગયાં : આચાર્યનો વાહિયાત બચાવ

– સસ્પેન્ડ આચાર્ય સામે ડીપીઇઓ દ્વારા ખાતાકીય કાર્યવાહી શરૂ

– જિલ્લામાં આવા કેટલા આચાર્યો ગરીબ બાળકોના ખોરાકનાં નાણાં ખાઈ ગયા ? ઉચ્ચસ્તરીય તપાસની માંગ

રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં એક તરફ વર્ષોથી શિક્ષણની ગુણવતા સવાલોના ઘેરામાં છે,તેવામાં જિલ્લાની એક શાળાના આચાર્ય ગરીબ બાળકોને અપાતા મધ્યાહન ભોજનનાં નાણાં જ ચાંઉ કરી ગયાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને  ફરિયાદ મળી હતી કે, કાંકરેજ તાલુકાની ઉણ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા 10 લાખથી વધુના નાણાંની ઉચાપત કરવામાં આવી છે. જે બાબતે પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતાં જિલ્લા શિક્ષણ વિભાગે આચાર્યને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી બોરું પ્રાથમિક શાળામાં મૂક્યા હતા. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી સસ્પેન્ડ આચાર્ય સામે ખાતાકીય તપાસનો ધમધમાટ પણ શરૂ કરાયો છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, ગુજરાત સરકાર દ્વારા કોરોના સમયે શાળાઓ બંધ હોવાથી  વાલીઓને  બાળકોના મધ્યાહન ભોજન પેટે રોકડ નાણાંની ચુકવણી કરાતી હતી. પરંતું કેટલાક ભ્રષ્ટ આચાર્યોના પાપે આ નાણાં ગરીબ વર્ગના વાલીઓ સુધી પહોંચ્યા જ નહિ, અને મોટાપાયે ભ્રષ્ટાચાર કરી લાખ્ખો રૂપિયા ચાંઉ કરી દેવાયા. આવી જ એક ધટના કાંકરેજ તાલુકાનાં ઉણ પ્રાથમિક શાળામાં બની હતી. જિલ્લા શિક્ષણ વિભાગના ઓડિટમાં જાણવા મળ્યું હતું કે, ઉણ શાળાના આચાર્યને ચૂકવાયેલ 11 લાખમાંથી માત્ર એક લાખ રૂપિયા જ વાલીઓના ખાતામાં જમાં થયા હતાં. તેથી તાલુકા મધ્યાહન ભોજન મામલતદારે બે મહિના અગાઉ આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ખરાઈ કરી આચાર્ય ડી.કે.ઠાકોર સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત ચૌધરીએ તપાસ કરતાં આચાર્યે 10 લાખ રૂપિયા નહિ ચૂકવ્યાનું ખૂલતાં આચાર્ય ડી.કે.ઠાકોરને સસ્પેન્ડ કરી તેમની વિરૂધ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.

કોરોના સમયે બાળકોને ફૂડ સિક્યુરિટી માટે કેટલાં નાણાં અપાતા હતાં? કોરોના સમયે શાળાઓ બંધ હોવાથી રાજ્ય સરકાર બાળકોને મધ્યાહન ભોજન ફૂડ સિક્યુરિટી પેટે એમએમસી એકાઉન્ટમાં નાણાં જમા કરાવતી હતી. જેમાં ધોરણ 1 થી 5 નાં બાળકને પ્રતિ દિન 4.65 રૂપિયા અને 6 થી 8 ધોરણનાં બાળકને પ્રતિ દિન 6.65 રૂપિયા ચૂકવવાનો નિયમ હતો. જે નાણાં આચાર્યે વાલીઓનાં ખાતામા જમાં કરાવવાના હતા. જે હેઠળ કાંકરેજ તાલુકાની ઉણ પ્રાથમિક શાળાના એસએમસી એકાઉન્ટમાં પણ સરકારે 11 લાખ રૂપિયા જમાં કરાવ્યા હતા. જે નાણાં આચાર્યે વાલીઓના એકાઉન્ટમાં જમાં કરવાના હતા. પરંતું આચાર્ય દ્વારા આ નાણાં વાલીઓને નહિ ચૂકવ્યા હોવાનું સામે આવતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં શાળાને અપાયેલ 11 લાખમાંથી માત્ર એક લાખ રૂપિયા જ વાલીઓના ખાતાંમાં જમાં થયા હોવાનું સામે આવ્યું. જેથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત ચૌધરીએ આચાર્ય ડી.કે.ઠાકોરને ફરજ મોકૂફ કરી તેમની વિરૂધ્ધ ખાતાકીય તપાસ હાથ ધરી છે.

કઈ રીતે મામલો બહાર આવ્યો?; સરકાર દ્વારા કોરોના સમયે જે ફૂડ સિક્યુરિટી પેટે જે નાણાં વાલીઓને ચૂકવવાના હતા. તેમાંથી આચાર્ય ડી. કે.ઠાકોરે માત્ર 1 લાખ રૂપિયા જ વાલીઓના ખાતામાં જમા કરાવ્યા,અને 10 લાખ રૂપિયા ઉચાપત કરી નાખ્યાં,જોકે,આ મામલે આચાર્ય દ્વારા એક વર્ષ અગાઉ શિહોરી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી કે, વ્યાજખોરો મારી પાસેથી નાણાં પડાવી ગયા છે. જો કે, કાંકરેજ તાલુકા મામલદારે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવા જણાવ્યું,જે અંગે ટીપીઓ ભરત ચૌધરીએ ખરાઈ કરતાં 10 લાખની આચાર્ય ડી. કે. ઠાકોર દ્વારા ઉચાપત કરાઈ હોવાનું સામે આવ્યું. જે અંગે ભરત ચૌધરીએ જણાવ્યું કે,આ મામલે આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરૂ કરી દેવાઈ છે.

subscriber

Related Articles