મહેસાણા જિલ્લાનું છેવાડાનું ગામ ઝૂલાસણ જે ગામ અંતરીક્ષની પરી એટલે કે ભારતીય મુળની સુનિતા વિલિયમ્સના કારણે આજે વિશ્વભરમાં જાણીતું બન્યું છે. સુનિતા વિલિયમ્સ મૂળ ભારતીય છે અને મહેસાણાના જિલ્લાના ઝુલાસણ ગામના બ્રાહ્મણ પરિવારના દિપકભાઈ પંડ્યાની દીકરી છે, જેમણે અમેરિકામાં અભ્યાસ કર્યો અને ત્યાં માઈકલ વિલિયમ્સ સાથે લગ્ન કર્યા હતા અને અભ્યાસ બાદ તેઓ વૈજ્ઞાનિક તરીકે અમેરિકાની અંતરીક્ષ શોધ સંસ્થા નાસામા જોડાઈ ગયા હતાં.
સુનીતા વિલીયમ્સ અને તેમના સાથી બૂચ વિલ્મોર ગત વર્ષે 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ 13 જૂને પરત ફરવાના હતા. છેલ્લા કેટલાય મહિનાથી અંતરિક્ષની અજીબો ગરીબ દુનિયાની શોધ કરવા માટે અવકાશ યાત્રા પર નીકળેલા સુનીતા વિલિયમ્સ અને તેમના સાથી જે અવકાશયાનમાં ગયા હતાં તે નાસાના બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે તેમનું પાછું ફરવું સતત ચોથી વખત મોકૂફ રાખવામાં આવ્યું હતું. નવ મહિના અને અગિયાર દિવસ અંતરિક્ષમાં રહ્યા બાદ ગત મોડી રાત્રે 3:28 કલાકે પૃથ્વી પર સફળ અવતરણ કર્યું છે. અમેરિકાના ફ્લોરિડાના સમુદ્રમાં તેમનું યાન સુરક્ષિત રીતે ઉતરાણ કરતા આખા વિશ્વ સહિત ભારતમાં ઠેર ઠેર ઉત્સાહનો માહોલ જોવા માલી રહ્યો છે.
ત્યારે અંતરીક્ષની પરીનું બિરૂદ પામેલા સુનિતા પંડ્યા વિલિયમ્સના માદરે વતન એટલે કે મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામ ખાતે તેમના પરિવારજનો અને ગામજનોએ ગામની શાળા માંથી વાજતે ગાજતે ઢોલ નગારા વગાડી, અખંડ જ્યોત સાથે માતાજી અને સુનિતા વિલિયમ્સની તસ્વીર હાથમાં લઈ દોલા માતાજીના મંદિરે અખંડ ધૂન અને આરતી કરી સુનિતા પૃથ્વી પર સહી સમાલત પાછા આવી જાય તેના માટે સાચા હૃદયથી માતાજીની પૂજા અર્ચના, ધૂન અને પ્રાર્થના કરવામાં આવતી હતી. જ્યાં સુનિતા વિલિયમ્સના કૌટુંબિક પરિવારજનો સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અખંડ જ્યોત જલાવી સુનિતા વિલીયમ્સ માટે સતત પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.