તિરંગા યાત્રામાં સમગ્ર શહેર દેશ ભક્તિમય બન્યું; ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે મહેસાણા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતનાં મહાનુભાવોએ ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તિરંગાની આન, બાન અને શાન સાથે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઇ રહી છે, જેમાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. આઝાદી સમયે પોતાના પ્રાણનું બલિદાન આપીને દેશને સ્વતંત્રતા અપાવનાર વીરોને યાદ કરવાનો અવસર છે. આ તિરંગો માત્ર કાપડનો ટુકડો નથી, દરેક ભારતીયના દિલમાં લીધેલ સ્થાન છે. ૧૯૪૭ માં આઝાદી બાદ રાષ્ટ્રધ્વજરૂપી ગૌરવ દેશને મળ્યું છે, તેને પ્રસ્થાપિત કરવા સમગ્ર દેશમાં તિરંગા યાત્રા નીકળી રહી છે. આજનો તિરંગો સિંદૂરને સમર્પિત છે, દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય વીરોને સમર્પિત છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી લોકોમાં સ્વદેશી ભાવના ઉજાગર કરી છે, ત્યારે રોજબરોજ ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજ વસ્તુઓમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
આ તિરંગા યાત્રામાં BSFના જવાનો CISFના જવાનો, પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ યાત્રામાં શહેરના અનેક લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. તિરંગા યાત્રાનાં પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું. યાત્રાનાં માર્ગ પર તેનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી, ભારત માતા કી જયનાં જયઘોષ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દર થોડા અંતરે અલગ-અલગ શાળાનાં વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા. હાથમાં તિરંગા સાથે યુવાનોએ ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. સૌ ઉપસ્થિતોએ તિરંગો લહેરાવી, ‘વંદે માતરમ્’, ‘ભારત માતા કી જય’ સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા અને દેશના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

