મહેસાણા મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે આંગણવાડીનું ફોર્મ ભરવા લાગી લાંબી લાઈનો

મહેસાણા મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે આંગણવાડીનું ફોર્મ ભરવા લાગી લાંબી લાઈનો

5 દિવસથી અરજદારોના ધક્કા ખાઈને પાછા ગયા; રાજ્ય સરકારે જ્યારથી આંગણવાડી ભરતીની જાહેરાત બહાર પાડી છે ત્યારથી મહેસાણામાં મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારેથી જ અરજદારો લાઇન લગાવીને પોતાનો વારો આવે એની રાહ જોતા ભૂખ્યા અને તરસ્યા જ સાંજ સુધી ઉભા રહેતા જોવા મળી રહ્યા છે. જ્યાં કર્મચારીઓ પણ કાચબાની ગતિએ કામ કરતા હોય તેમ સાવ ઢીલી નીતિથી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરતા જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહીને પોતાના વારાની રાહ જોતા અરજદારોનો વારો આવે ત્યાં બપોરે બે વાગે બારી બંદ થઈ જાય છે અને કર્મચારીઓ જમવા જવાના બહાને કલાકો સુધી પરત નથી આવતા તેવી બુમરાડ અરજદારોમાં ઉઠવા પામી છે.

આંગણવાડી ભરતીના ફોર્મ ભરવા માટે લાગી લાંબી લાઈનો લાગી છે જેમાં આશરે 500 થી પણ વધુ લોકો ફોર્મ ભરવા માટે આવ્યા છે, જ્યાં 5 દિવસથી અરજદારો લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહીને ધક્કો ખાઈને પાછા જતા જોવા મળી રહ્યા છે. ક્યાંક ક્યાંક તો એવો પણ વિરોધ થઈ રહ્યો છે કે કચેરીના કર્મચારીઓ અંદરખાને લાગવગ ચલાવી ખાનગી રાહે અંગત અને સગા સંબંધીઓના ફોર્મ ભરી દેતા હોય છે. અરજદારોના જણાવ્યા પ્રમાણે રહેઠાણના પુરવાના નામે છેલ્લા 5 દિવસથી અમને ધક્કા ખવડાવી રહ્યા છે. ત્યારે આંગણવાડીનું ફોર્મ ભરવા માટે જરૂરી એવા સોગંદનામુ કરવાંના નામે મામલતદાર કચેરીમાં રહેલા એજન્ટો દ્વારા અરજદારો સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે જ્યાં અરજદારો આર્થિક રીતે લૂંટાઈ રહ્યા છે તેમ અરજદારોએ જણાવ્યું હતું.

મામલતદાર કચેરી ખાતે છેલ્લા 5 દિવસથી અરજદારોનો ઘસારો એકાએક વધી જતાં આંગણવાડીનું ફોર્મ ભરવા આવેલા અરજદારોમાંથી કેટલાય અરજદારો આખરે ફોર્મ ભર્યા વગર જ પરત ફરતા જોવા મળ્યાં હતાં. જેઓએ કચરીના કર્મચારીઓને જ જવાબદાર ગણી સીધે સીધો આરોપ લગાવતા કહ્યું હતું કે અમે તો રોજ રોજ ફોર્મ ભરવા માટે આજુબાજુના ગામડાઓ માંથી ભાડા ભાંગીને આવીએ છીએ અને કલાકો સુધી લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહીએ છીએ તોય અમારે ફોર્મ ભરવાનો વારો આવતો નથી અને જો ફોર્મ ભરવાની બારી સુધી પહોંચી પણ જઈએ છીએ તો ત્યાંથી કોઈને કોઈ બહાને ફોર્મ પાછું આપી દઈ જુદા જુદા દાખલાના નામે રિજેક્ટ કરવામાં આવે છે. જ્યારે માંગ્યા મુજબના દાખલા અને સોગંદનામું લઈને ફરીથી કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીએ અને માંડ માંડ જ્યારે અમારો વારો આવે ત્યાં ફોર્મ ભરનાર કર્મચારીઓ બારી બંદ કરીને જતા રહે છે. ફોર્મમાં વધુ ખબર ના પડતી હોય અને જો એ કર્મચારીઓને પુછીએ તો અમને મનફાવે તેવા જવાબ આપી અપમાનિત કરી રવાના કરી દેવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે જે દિવસથી આંગણવાડીમાં ભરતી કરવાની જાહેરાત કરી છે ત્યારથી જ દરેક જગ્યાએ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે નોકરી માટે સવારથી જ ભૂખ્યા અને તરસ્યા વલખા મારતા અરજદારોમાં પોતાને નોકરી મળશે કે કેમ તેવો સવાલ ઉભો થઇ રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *