મહેસાણાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે ચૈત્રી પુનમ મેળો સુખરૂપ સંપન્ન
બહુચરાજી માતાજીની સવારીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું; ગુજરાતનાં પવિત્ર તીર્થસ્થાનો પૈકી એક મહત્વનું તીર્થસ્થાન એટલે બહુચરાજી. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું આ પ્રાચીન તીર્થ સતત અને અવિરત રીતે ‘માઁ બહુચર’ના જય જયકારથી ગુંજતું રહે છે. ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનાં પગલાં થયાં હતા. દર વર્ષે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યોત્સવ ઊજવાય છે. આ વર્ષે પણ તા. 10 એપ્રિલ થી 12 એપ્રિલ દરમિયાન ત્રિ-દીવસીય ચૈત્રી પૂનમનો મેળો ભરાયો હતો. માતાજીની સવારી સમયે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર વિકાસ રાતડાએ માતાજીની પુજા અર્ચના કરી હતી.
ચૈત્રી પૂનમના મેળાના અંતિમ દિવસે પુનમની રાત્રે માઁ બહુચરની શાહી સવારીએ બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર મંદિરે જવા પ્રસ્થાન કર્યું હતું. આ સમયે માતાજીની સવારીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ્ં હતું. માતાજીની સવારીમાં પોલીસ જવાનો તેમજ બેન્ડવાજા સહિત અસંખ્ય માઈભક્તો સામેલ થયા હતા. ચૈત્ર સુદ પૂર્ણિમાના ભવ્ય લોકમેળામાં બહુચર માતાજીની ભવ્ય સવારી બે કિ.મી દૂર માતાજીના મૂળ સ્થાનક શંખલપુર ગામે ટોડા માતાજીના સ્થાનકે પહોંચી હતી. જયાં માતાજીની સવારીનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૈત્રી પૂનમ નિમિત્તે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હાઇવે પર શક્તિચોકની બાજુમાં આવેલા અન્નપુર્ણા ભોજનાલયમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો અનેક શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.