મહેસાણા શહેરના બી-ડિવિઝન પોલીસે સેનેટરીની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમીદારની માહિતીના આધારે પોલીસે માલગોડાઉનથી મોહનપુરા તરફના રસ્તા પરથી એક મહિલા સહિત ત્રણને ઝડપ્યા છે. જેમાં બે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી છે. તેમની પાસેથી સફેદ કલરની થેલીઓમાંથી સેનેટરીનો સામાન મળી આવ્યો હતો.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં સ્પિન્ડલ, નિપલ, ફ્લેન્જ, ફ્લેશ કોક અને સ્ટીલના વાલ્વ સહિતનો રૂ. 1,63,210નો સામાન તેમજ રૂ. 10,000ની કિંમતની મોટરસાયકલનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં શિલ્પાબેન (રહે. પદુષણપુર, મહેસાણા) અને બે સગીર વયની છોકરીઓનો સમાવેશ થાય છે. આ કેસમાં અલ્કેશ રહે. પદુષણપુર, મહેસાણા, મૂળ રહે. અડીયા, પાટણ) હજુ ફરાર છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ મહેસાણા માલગોડાઉનમાં આવેલી સેનેટરીની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.