મહેસાણા હબ ટાઉન એસ.ટી.બસ ડેપોની બેદરકારી પીવાના ઠંડા પાણીની અવ્યવસ્થાથી મુસાફરો લાલઘૂમ

મહેસાણા હબ ટાઉન એસ.ટી.બસ ડેપોની બેદરકારી પીવાના ઠંડા પાણીની અવ્યવસ્થાથી મુસાફરો લાલઘૂમ

મહેસાણા મોઢેરા સર્કલ નજીક આવેલ અત્યાધુનિક સગવડોથી સજ્જ એસ.ટી.બસ. ડેપો ખાતે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા ના હોવાથી મુસાફરો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. એસ.ટી.બસ ડેપો ખાતે પાણી પીવાની બે પરબ હોવા છતાં એક પરબ સદંતર બંધ હાલતમાં જોવા મળી રહી છે, અને બીજી પરબમાં ગરમ પાણી આવી રહ્યું છે.

અત્યારની પરિસ્થિતિમાં ઉનાળાની અસહ્ય ગરમીમાં મુસાફરોને રાહત મળી રહે તે માટે ડેપો ખાતે ઠંડા પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. પરંતુ હબ ટાઉનના અદ્યતન બસ સ્ટેશનમાં કોન્ટ્રાકટની રીતસરની લાલિયાવાડી જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા હબ ટાઉન બસ સ્ટેશનમાં મુસાફરોને તમામ બાબતે રાહત મળી રહે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે અસુવિધાઓથી ભરેલા નવિન બસ સ્ટેશનમાં મુસાફરો માટે કોઈ ખાય વ્યવસ્થા જોવા નથી મળી રહી. મુસાફરો ગરમ પાણી બાબતે જયારે કર્મચારીઓને પ્રશ્ન કરે તો આ પ્રકારનું પાણી જ આવે છે અને જો તમારે ઠંડુ પાણી પીવું હોય તો સામે સ્ટોર પર જઈને પૈસા ખર્ચાવા પડે તેવો ઉદ્ધત જવાબ આપવામાં આવી રહ્યો હોવાનું પણ મુસાફરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

ત્યારે સવાલ એ થાય છે કે અદ્યતન બસ સ્ટેશનમાં આર.ઓ.સિસ્ટમ વાળા ઠંડા પાણીના વોટર કુલર હોવા છતાંય મુસાફરોને સ્ટોર પરથી પાણીની બોટલ ખરીદવા માટે કહેવામાં આવી રહ્યું છે તો શું એમાં પણ કમિશન લેવામાં આવતું હશે કે પછી મારું મારા બાપનું ને તારામાં મારો ભાગ વાળી સિસ્ટમ અપનાવવામાં આવે છે??? હબ ટાઉનનો વહીવટ કરતા અને કોટ્રાક્ટર અગર જો જાહેર જનતા માટે આવી અસહ્ય ગરમીમાં ઠંડા પાણીની વ્યવસ્થા ન કરી શકતા હોય તો સ્થાનિક વહીવટી તંત્રએ આ બાબતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને મુસાફરોની સગવડ અને સવલતની પુરતી વ્યવસ્થા કરવી જોઈએ તેવી મુસાફરો દ્વારા માંગ ઉઠવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે હબ ટાઉનના બસ સ્ટેશનમાં મુસાફરોની જાનમાલની સુરક્ષા માટે મુકવામાં આવેલા સિક્યોરિટી ગાર્ડ પણ વારંવાર મુસાફરો સાથે ખોટી રીતે તકરાર કરતા અને જેમફાવે તેવા અપશબ્દો બોલી મુસાફરોને મારવાની ધમકીઓ આપતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે આવા લુખ્ખાગીરી કરતા સિક્યોરિટી ગાર્ડ પર યોગ્ય કાર્યવાહીની માંગ પણ મુસાફરોમાં ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *