ડીસા પંથકમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહીના પગલે જગતના તાતના જીવ પડીકે બઁધાયા છે. ડીસા તાલુકામાં હાલમાં બટાકા, ઘઉં અને રાયડાના પાક તૈયાર થઇ ખેતરોમાં લહેરાઇ રહ્યા છે ત્યારે સોમવારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે .સવારથી જ વાદળ છાયું વાતાવરણ બની જતા ધરતીપુત્રો ચિંતીત બન્યા છે. અગાઉ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
પાક તૈયાર થઇ લેવાની તૈયારી દરમિયાન વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ જવાની પણ શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ધરતીપુત્રો આકાશ સામે મીટ માડી પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે કે કમોસમી વરસાદ ના વરસે અને તૈયાર મોલાતને નુકશાન થતું અટકી શકે. અત્રે ઉલ્લેખનીય છેકે ગત વર્ષે પણ ફેબ્રુઆરી માસ દરમિયાન કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતોને મોટુ નુકશાન થયું હતું ત્યારે હાલ તો ધરતીપુત્રો ભગવાન ભરોસે બેઠા હોય તેવું લાગી રહ્યું છે.