ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક જોરદાર વિસ્ફોટ થયો છે. રવિવારે ગુડાંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં આ વિસ્ફોટ થયો હતો. જેના કારણે બે લોકોના મોત થયા હતા. પાંચ અન્ય લોકો ઘાયલ થયા હતા.
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) અનિંદ્ય વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, ‘વિસ્ફોટ એ ઘરમાં થયો હતો જ્યાં ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા છે.’ પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આ ઘટના ગુડંબાના બેહતા વિસ્તારમાં બપોરે 12 વાગ્યે બની હતી.
વિસ્ફોટ પછી, ઇમારતની છતનો એક ભાગ તૂટી પડ્યો, જેના કારણે કાટમાળ નીચે પાંચ અન્ય લોકો દટાઈ ગયા. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ ટીમે મૃતકોની ઓળખ કરી લીધી છે.
એસીપીએ કહ્યું, “ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ સહિત બચાવ ટીમો ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે.” બચાવ કામગીરીમાં મદદ કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જારી કરાયેલા એક નિવેદન અનુસાર, મુખ્યમંત્રીએ રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે અને ઘાયલોને યોગ્ય તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

