ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન થયું છે. પૂર્વ PMએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ડો. મનમોહન સિંહને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા બાદ એમ્સ દિલ્હીના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે રાત્રે દુનિયાને અલવિદા કહ્યું. ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી યુપીએ સરકારમાં ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા. તેમના નિધન પર ભારતના રાજકારણ સહિત વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ તરફથી શોક સંદેશો આવી રહ્યા છે.
પીએમ મોદી સહિત અનેક નેતાઓ અને હસ્તીઓએ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ પીએમના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત તમામ સરકારી કાર્યક્રમો રદ રહેશે. આવતીકાલે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક મળશે. આ પછી, ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. તેઓ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય હતા. મનમોહન સિંહે 21 માર્ચ, 1998થી 21 મે, 2004 સુધી ગૃહમાં વિપક્ષના નેતાની જવાબદારી પણ નિભાવી હતી. ડૉ. મનમોહન સિંહ આ વર્ષે એપ્રિલમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થયા, ત્યારબાદ તેમની વિશિષ્ટ સંસદીય કારકિર્દીનો અંત આવ્યો.