ફિલ્મી ઢબે અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી
સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા થવી કે પ્રેમ થવો એ બધું આજના જમાનામાં સાવ સામાન્ય ઘટના બની ગયું છે પરંતુ એજ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે કોઈ વ્યક્તિને પ્રેમ પ્રકરણમાં લલચાવી ફોસલાવીને હનીટ્રેપમાં ફસાવી લાખોની કમાણી કરતા કિસ્સો પણ ખૂબ જ વધી ગયા છે.
વાત છે મહેસાણા હાઇવે પર અમદાવાદના એક હોમિયોપેથીક ડોક્ટર હારુણ મહોમંદ મેમણને હનીટ્રેપમાં ફસાવી તેમનું અપહરણ કરી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ઘટના સામે આવી છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી અમદાવાદના તબીબને છેક પાલનપુર મળવા બોલાવ્યો તેની સાથે અલગ અલગ જગ્યાએ બેસીએ વાતો કરી અને પોતાના પૂર્વ આયોજિત કાવતરા મુજબ તબીબને ફસાવવાની કોશિશ કરવામાં આવી છે. આરતી ચૌહાણ નામની યુવતીએ સોશિયલ મીડિયાના ફેસબુક દ્વારા અમદાવાદના ડોકટર સાથે સંપર્કમાં આવી મિત્રતા કેળવી હતી. ગતરોજ આરતી ચૌહાણે અમદાવાદના ડોક્ટરને મળવા માટે છેક પાલનપુર બોલાવ્યો હતો. જ્યાં લિજેન્ડ હોટલમાં બંનેએ મુલાકાત કરી હતી. એ દરમિયાન આરતીએ ડોક્ટરનો વિશ્વાસ જીતી તેની સાથે ફોટા પણ પડાવ્યા હતા. અને ત્યાર બાદ આરતી ચૌહાણે પોતાને મહેસાણા જવાનું છે તેમ કહી ડોક્ટરની ગાડીમાં સાથે નીકળી હતી.
મહેસાણા નજીકની આવી જઈ મોટીદાઉ ગામની હદમાં આવતાની સાથે જ આરતી ચૌહાણે તબિયત બગડવાનું કહી હાઇવે નજીક ગાડી ઊભી રખાવી હતી. જે પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગાડી ઉભી રહેતા જ ત્યાં તેના અલગ અલગ છ સાગરીતો અચાનક આવી ચડ્યા હતા. આ સાગરીતોએ ડોક્ટર માર મારી તેમની ગાડીની ચાવી પડાવી લઈ જબરજસ્તી ડોક્ટરને તેમની જ ગાડીની પાછળની સીટ પર બેસાડી દઈ આરતી ચૌહાણના સાગરીતોએ ડોક્ટરને ધમકી આપતાં કહ્યું હતું કે 10 લાખ રૂપિયા આપ તો તને જવા દઈશું નહીંતર જો તું નહીં આપે તો બળાત્કારના કેસમાં ફસાવી પોલીસ કેસ કરીશું. આ દરમિયાન સાગરીતોએ ડોકટરનો મોંઘીદાટ આઇફોનનો મોબાઈલ પણ ઝુંટવીને પડાવી લીધો હતો કે જેથી ડોકટર કોઈને ફોન ન કરી શકે.
જ્યારે આરતી ચૌહાણ અને તેના છ સાગરીતો ડોકટર વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. તે દરમિયાન મહેસાણા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી. હાઈ-વે પર શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે ઉભેલી ગાડી જોઈને પૂછપરછ કરતા સમગ્ર બાબતે હનીટ્રેપનો ભાંડો ફૂટ્યો હતો. તાલુકા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ડોક્ટરને હનીટ્રેપની ચંગુલમાંથી બચાવીને હાજર સાગરીતોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હનીટ્રેપમાં પકડાયેલા ગુનેગારો
સમગ્ર બનાવ મામલે અમદાવાદના ડોકટર હારુણ મહોમંદ મેમણની ફરિયાદને પગલે પોલીસે આ મામલે આરતી પ્રકાશસિંગ ચૌહાણ (રહે. પાલનપુર), મોહમદ ફૈઝલખાન પરમાર, સરીફ ઇદ્રીશભાઇ બેલીમ, સમીરખાન અસરફખાન મલેક, આફતાબખાન સલીમખાન અબ્બાસી, સોહિલકુમાર સલીમભાઇ કુરેશી અને સમીરખાન રફીકભાઇ સંધી સામે ગુનાહિત કાવતરું, અપહરણ, મારપીટ અને ખંડણીની કલમો મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

