તળેટી ગામની સીમમાંથી મોટી માત્રામાં ગાંજાના છોડ મળી આવ્યા
મહેસાણા જિલ્લામાં માદક દ્રવ્યોની બદીને ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. મહેસાણા SOG એ બાતમીના આધારે તળેટી ગામની સીમમાં રેડ કરી, ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલ ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં નાર્કોટિક્સ અને નશીલા દ્રવ્યોની પ્રવૃત્તિ ડામવા માટે આપેલ સૂચના અન્વયે SOG પી.આઈ. એન.આર. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી.તારીખ 02/02/2026 ના રોજ SOG ના PSI એ.એમ. રાઠોડ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશકુમારને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, મહેસાણાથી તળેટી જતા રોડ પર બહુચરનગરની બાજુમાં નવાપરામાં રહેતા રાવળ વિરમભાઈ કરશનભાઈએ પોતાના મકાનની બાજુની ખુલ્લી જગ્યામાં ગાંજાનો છોડ ઉગાડ્યો હતો.
આ બાતમીના આધારે SOG ટીમે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.આર. રાવ અને પંચોને સાથે રાખીને ઘટનાસ્થળે રેડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી વનસ્પતિજન્ય ગાંજાનો લીલો છોડ મળી આવ્યો હતો.પોલીસે આરોપી રાવળ વિરમભાઈ ઉર્ફે રાજુભાઈ (ઉ.વ. ૪૮) ને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી મળી આવેલ ગાંજાના છોડનું કુલ વજન 6.050 કિલોગ્રામ થાય છે, જેની બજાર કિંમત આશરે રૂ. 3,02,500/- આંકવામાં આવી છે. પોલીસે 3 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કરી, આરોપી વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

