ભારતમાં ટેસ્લાના પ્રથમ શોરૂમનું ઉદ્ઘાટન કર્યાના એક દિવસ પછી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈમાં વિધાન ભવનની બહાર ટેસ્લાની ટેસ્ટ ડ્રાઈવ લીધી. એક વીડિયોમાં, એકનાથ શિંદે સુરક્ષા ગાર્ડ્સ અને પત્રકારોના ટોળા પાસેથી સફેદ ટેસ્લા ચલાવતા જોઈ શકાય છે. વીડિયોમાં, તેઓ ધીમે ધીમે સ્ટીયરિંગ ફેરવતા અને ટેસ્ટ રાઈડનો આનંદ માણતા જોઈ શકાય છે.
એકનાથ શિંદેએ પોતાના X હેન્ડલ પર ટેસ્લા કારના ટેસ્ટ ડ્રાઇવનો વીડિયો શેર કર્યો છે. કાર રાઇડ પછી મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યું, “ટેસ્લાએ મુંબઈમાં પોતાનો શોરૂમ ખોલ્યો તે ખૂબ મોટી વાત છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ વિદેશી સીધું રોકાણ છે. રાજ્યમાં સારી માળખાગત સુવિધા છે અને રોકાણકારો અહીં રોકાણ કરવા તૈયાર છે કારણ કે મહારાષ્ટ્ર ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ રાજ્ય બન્યું છે.”

