લોકસભાની જેમ વટના સવાલ સમી પેટા ચૂંટણી ઉપર સમગ્ર દેશવાસીઓની નજર

લોકસભાની જેમ વટના સવાલ સમી પેટા ચૂંટણી ઉપર સમગ્ર દેશવાસીઓની નજર

સટ્ટા બજારમાં કોંગેસ 48 પૈસા, ભાજપ 50 પૈસા અને અપક્ષનો 1 રૂપિયાનો ભાવ, વાવની પેટા ચૂંટણીમાં કરોડોનો સટ્ટો ખેલાયો

અણધાર્યા ચૂંટણી ચુકાદા આપતા બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આખરી ચરણમાં અતિ રોમાંચક બની ચુકી છે.જેથી લોકસભાની જેમ સમગ્ર દેશવાસીઓ નજર પેટા ચૂંટણી ઉપર મંડરાઈ છે.ભાજપે આખી સરકાર અને મજબૂત સંગઠનને ધંધે લગાવી દીધું છે. જયારે કોંગ્રેસ ઉમેદવારે પણ પોતાની હોમ પીચ પર પુરી તાકાત લગાવી દીધી છે. તેમજ અપક્ષે પણ પોતાના સમાજ અને અંદર ખાને ભાજપના એક નેતાના પીઠ બળના જોરે કોંગ્રેસ અને ભાજપનું બી.પી.હાઈ કરી નાખ્યું છે.

ત્યારે અતિ રોમાંચક પરિસ્થિતિને લઈ સરહદી વાવ, સુઇગામ, ભાભર, થરાદ સહિત રાજ્યની સટ્ટા બજારમાં કરોડોનો સટ્ટો ખેલાયો છે.જેમાં મતદાનની તારીખ 13 નવેમ્બર જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ઉત્તેજના ચરમસીમા વટાવતી જાય છે. સટ્ટા બજારમાં કોંગ્રેસનું પલડું ભારે જોવા મળતાં ગુજરાત પ્રદેશ ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે. જોકે ભાજપે આ બેઠક મેળવવા માટે પ્રદેશ કક્ષાના નેતાઓની મદદ લઇ ગુપ્ત બેઠકો યોજી સિનિયર કાર્યકરોનો સમ્પર્ક કરી છેલ્લી ઘડીએ તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. પરંતુ અપક્ષના નેતા વિશાળ સામાજિક સંમેલનો યોજી ભાજપ માટે પડકાર ઉભો કરી રહ્યા છે.

ત્યારે સટ્ટા બજારમાં હાલ કૉંગ્રેસ 48 પૈસા, ભાજપ 50 પૈસા તેમજ અપક્ષનો 1 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે.આ બેઠક ઉપર હાર- જીત સહિત કોને કેટલા મત, જીત કે હારનું માર્જીન,કુલ મતદાન, ક્યાં ગામમાં કેટલું મતદાન ? વગેરે ઉપર કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાઇ રહ્યો છે. કારણ ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગેલી છે.

જોકે બેઠકમાં બહુમતી ધરાવતા ઠાકોર સમાજનું કોંગ્રેસ તરફી થોડું વલણ, સાંસદની અંગત તાકાત,  રાજપૂત સમાજની એકતા, કોંગ્રેસ ઉમેદવારની હોમ પીચ જેવા સમીકરણો સાથે જીજ્ઞેશ મેવાણીની સભાને લઈ કોંગ્રેસનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.અત્યારે સટોડિયાઓના સર્વેમાં કૉંગ્રેસ 1 તો ભાજપ 2 અને અપક્ષ 3 નંબર પર ચાલી રહ્યું છે.પણ યેનકેન પ્રકારે ચૂંટણી જીતવામાં માહેર ભાજપને લઈ જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જશે તેમ તેમ સટ્ટા બજારના ભાવમાં પણ ઉતાર- ચઢાવ જોવા મળશે તેમ નામ ન આપવાની શરતે એક સટોડીયાએ જણાવ્યું હતું.

subscriber

Related Articles