ભાભરનાં રૂણી ગામે ચૌધરી સમાજના વિશાળ મહા સંમેલનમાં આગેવાનો- યુવાનો ઉમટ્યા

ભાભરનાં રૂણી ગામે ચૌધરી સમાજના વિશાળ મહા સંમેલનમાં આગેવાનો- યુવાનો ઉમટ્યા

દીકરી કંકુને પરત લાવવા 5 દિવસનું અલ્ટીમેટમ

સમગ્ર ઉત્તર ગુજરાતમાં સામાજીક વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો,ઉત્તેજના અકબંધ

વાવ – થરાદ જિલ્લાના ભાભર તાલુકાના રૂણી ગામ ખાતે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ચૌધરી સમાજનું વિશાળ મહા સંમેલન યોજાયું હતું, જેમાં સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં આંતરજ્ઞાતીય પ્રેમલગ્નોના મુદ્દે ઊભેલા વિવાદોની પૃષ્ઠભૂમિમાં આ સંમેલન યોજાયું હતું.

અગાઉ રાધનપુરના સીનાડ ગામની લોક ગાયિકા કિંજલ રબારીના કેસમાં ચૌધરી સમાજ દ્વારા સહકાર આપી તેને પરત લાવવામાં આવી હતી. હવે ચૌધરી સમાજે પણ પોતાની રૂણી ગામની દીકરી કંકુબેન ચૌધરી, જેણે ઓગડ તાલુકાના ઉણ ગામમાં રબારી સમાજના યુવાન સાથે બે વર્ષ અગાઉ આંતરજ્ઞાતિય લગ્ન કરેલા છે, તેને પરત લાવવા માંગ ઉઠાવી છે.

સંમેલનમાં સ્ટેજ પરથી સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે “રબારી સમાજની ઈજ્જત અમે પરત આપી છે, હવે અમારી દીકરી સ્વરૂપે અમારી ઈજ્જત પણ પરત આપવી જોઈએ,અમારા સન્માનનો સવાલ છે.” આ સાથે જ રબારી સમાજને પાંચ દિવસની અંદર કંકુબેનને પરત આપવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેના માટે 64 ગોળ ચૌધરી સમાજને જવાબદારી સોંપવામાં આવી છે, જે રબારી સમાજના આગેવાનો સાથે વાટાઘાટો અને સમજાવટ દ્વારા દીકરીને પરત લાવવાનો પ્રયાસ કરશે. જો નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ પરિણામ નહીં મળે તો આગામી બેઠક બોલાવી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.તેમ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.

સંમેલનમાં અન્ય આંતરજ્ઞાતીય સમાજોમાં ગયેલી દીકરીઓના માતા-પિતાએ પણ હાજરી આપી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી, જેના કારણે આ સામાજીક મુદ્દો સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાના ચગડોળે ચડ્યો છે.

 ઓગડના ઉણ ગામે તંગદિલી, ટીયરગેસનો મારો

ભાભર તાલુકાના રૂણી ગામે સંમેલન બાદ સમાજના આગેવાનોની સમજાવટ છતાં ચૌધરી સમાજના કેટલાક યુવાનો ઓગડ તાલુકાના ઉણ ગામે પહોંચી ગયા હતા. અને વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો કરી થરા- ભાભર હાઇવેને 3 કી. મી.સુધી બ્લોક કરી દેતા મામલો વણસ્યો હતો.20 થી 25 ગાડીના કાચ તૂટવાના કારણે ચૌધરી સમાજ અને ગામલોકો વચ્ચે તણાવ વધ્યો હતો.જેથી અગમચેતીના ભાગ રૂપે ગામમાં ડીવાયએસપી,પીઆઈ, પીએસઆઇ સહિત પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. બનાવના પગલે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અને પરિસ્થિતિ પર બાજ નજર રાખી ચૌધરી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.તેમ છતાં ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરી અંધાધૂંધી અને અરાજકતા સર્જાતા ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી.જો કે આખરે પોલીસે લાઠી ચાર્જ સાથે ટીયરગેસ છોડી કડકાઈ દાખવતા ટોળા વિખેરાઈ જવા પામ્યા હતા.આખરે પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લેતાં હર કોઈએ હાશકારો અનુભવ્યો હતો.દરમિયાન રેન્જ આઈ.જી. પરીક્ષિતા રાઠોડ અને વાવ થરાદ જિલ્લા પોલીસ વડાએ પણ ગામની મુલાકાત લઈ સ્થિતિની નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *