નવી જગ્યાએ સ્વચ્છતા, બેસવાની અને પાણીની સુવિધાનો પણ અભાવ
ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જુનાડીસામાં હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે નવું બિલ્ડિંગ બાંધકામ હેઠળ હોવાથી, તાત્કાલિક રીતે આયુષ્યમાન આરોગ્ય મંદિરની નવી જગ્યાએ આરોગ્ય સેવાઓ ચાલુ કરવામાં આવી છે. પરંતુ નવી જગ્યાએ મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે દર્દીઓ સાથે સ્ટાફને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અહીં દર્દીઓને બેસવા માટે પૂરતા બાંકડાંની વ્યવસ્થા નથી, પીવાના પાણીની પણ યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી. આરોગ્ય કેન્દ્રના પરિસરમાં ગંદકી અને અસ્વચ્છતા હોવાના કારણે આરોગ્યની જગ્યાએ અસ્વચ્છ વાતાવરણનું દ્રશ્ય સર્જાયું છે. સેન્ટરના બહાર છાંયો માટે શેડની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને લઈને સ્થાનિક રહેવાસીઓમાં રોષ વ્યાપી રહ્યો છે. લોકોએ જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીને તાત્કાલિક તપાસ કરીને સુવિધાઓનું નિરાકરણ લાવવા માટે માંગણી કરી છે.

