બનાસકાંઠા જિલ્લાના રવિયાથી ધાનેરાને જોડતો માર્ગ ચોમાસા દરમિયાન સ્થાનિકો માટે આફતરૂપ બની જાય છે. આ માર્ગ પર પુલના અભાવે સામાન્ય વરસાદમાં પણ ૩ થી ૪ ફૂટ પાણી ભરાઈ જાય છે, જેના કારણે ૧૦ થી ૧૨ ગામોનો સંપર્ક કપાઈ જાય છે. આ સ્થિતિથી ગ્રામજનો, ખાસ કરીને દર્દીઓ, વિદ્યાર્થીઓ અને દૂધ ઉત્પાદકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદની થોડી જ શરૂઆત થતાં આ રસ્તો “વહોળા” માં ફેરવાઈ જાય છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી જાય છે. આ કારણે શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ, દવાખાને પહોંચવા માંગતા દર્દીઓ અને દૂધ ડેરીએ દૂધ પહોંચાડનારા ખેડૂતો અટવાઈ પડે છે. ખાસ કરીને, કોઈ ગર્ભવતી મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવાની હોય કે કોઈનું મૃત્યુ થાય ત્યારે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં અતિશય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં જવાબદારી કોની તેવો પ્રશ્ન ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.
સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ પર આક્ષેપ કરતા ગ્રામજનો જણાવી રહ્યા છે કે, “નેતાઓને માત્ર ફોટા પડાવવામાં રસ છે, પરંતુ જનતાની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં કે આ સમસ્યાના નિવારણમાં તેમને કોઈ રસ નથી. શું આ ગામોના લોકો ટેક્સ ભરતા નથી કે વોટ આપતા નથી?” આ માર્ગ પર તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની વર્ષો જૂની અને પ્રબળ માંગ છે. જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આશા છે કે તંત્ર આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરશે

